*SGCCI દ્વારા ભારતના પૂર્વ એડિશનલ ટેક્ષ્ટાઈલ કમિશનર શ્રી એસ.પી. વર્માને સન્માન પત્ર આપી સન્માન

S p Sharma

*SGCCI દ્વારા ભારતના પૂર્વ એડિશનલ ટેક્ષ્ટાઈલ કમિશનર શ્રી એસ.પી. વર્માને સન્માન પત્ર આપી સન્માન

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાં ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલા સહિતના હોદ્દેદારો, પૂર્વ પ્રમુખશ્રીઓ, ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો અને વેપારીઓએ શ્રી એસ.પી. વર્માની કામગીરીને બિરદાવી તેમનો સન્માન કર્યો*

*વર્ષ ર૦૦૬માં આવેલી રેલ બાદ સુરતની ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીએ સખત મહેનત કરી અને ધીરજ રાખીને નવા લક્ષ્યાંકો હાંસલ કર્યા છે, પરંતુ હવે ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીએ ઈનોવેશન અને દુનિયામાં આગામી સમયમાં કેવા કાપડની માંગ રહેશે તેના વિશે વિચારવું પડશે : શ્રી એસ.પી. વર્મા*

*સુરતઃ* ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શુક્રવારે, તા. ર૦ સપ્ટેમ્બર ર૦ર૪ના રોજ સાંજે ૦૬:૦૦ કલાકે, સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે ભારતના પૂર્વ એડિશનલ ટેક્ષ્ટાઈલ કમિશનર શ્રી એસ.પી. વર્માનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી એસ.પી. વર્માએ તેમના કાર્યકાળ દરમ્યાન ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે કરેલી કામગીરીને બિરદાવી ઉદ્યોગકારોએ તેમનો સન્માન કર્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ કાર્યક્રમમાં સર્વેને આવકાર્યા હતા અને ભારતના પૂર્વ એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર શ્રી એસ.પી. વર્માએ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે કરેલી કામગીરી માટે તેમનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે શ્રી એસ.પી. વર્માએ જણાવ્યું હતું કે, ‘વર્ષ ૧૯૮પ માં ફેન્સી યાર્નની શરૂઆત આપણા દેશથી જ થઈ હતી. જ્યારે ઈન્ડસ્ટ્રીના લોકો પાસે ટેકનિકલ નોલેજ હોય છે, ત્યારે ઉત્પાદનમાં લાભ મળે છે. સ્પિનીંગમાં નવો કોન્સેપ્ટ, સ્પિનીંગ મીલમાં હેન્ડલૂમ લગાવીને ઉત્પાદિત યાર્નનો જુદા જુદા પ્રકારે કેવી રીતે ઉપયોગ થાય છે તે સેમ્પલ સાથે કંપનીઓ માર્કેટમાં જતી હતી. આવી નાની નાની ઈનોવેશનની બાબતને ધ્યાને લઈશું તો માર્કેટમાં વેપાર સરળતાથી શકય થશે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘વર્ષ ર૦૦૬માં સુરતમાં આવેલી રેલ બાદ સુરતના વીવર્સોની હાલત ખૂબ જ ખરાબ હતી ત્યારે તેમને સખત મહેનત, ધીરજ અને સાહસથી કાર્ય કરીને પોતાના વ્યવસાયને સાચવ્યો હતો. વર્ષ ર૦૦૬ બાદ સુરતની ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીએ નવા લક્ષ્યાંકો હાંસલ કર્યા છે, પરંતુ હવે ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીએ ઈનોવેશન અને દુનિયામાં આગામી સમયમાં કેવા કાપડની માંગ રહેશે તે વિશે વિચારવું પડશે.’

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભારતના પૂર્વ એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર શ્રી એસ.પી. વર્માને આપવામાં આવેલા સન્માન પત્રનું વાંચન કર્યું હતું. આ પ્રસંગે ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી આશિષ ગુજરાતીએ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું અને શ્રી એસ.પી. વર્માનો પરિચય આપ્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખો શ્રી હિમાંશુ બોડાવાલા, શ્રી ભરત ગાંધી અને શ્રી અમરનાથ ડોરા, વેડરોડ એસોસિએશનના પ્રતિનિધિ શ્રી દેવેશ પટેલ, ફોગવાના પ્રતિનિધી શ્રી અતુલ પટેલ, શ્રી અમરીષ ભટ્ટ, શ્રી બ્રિજેશ ગોંડલિયા, શ્રી ચંદ્રેશ મહેતા અને ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી ગિરધર ગોપાલ મુંદડાએ ભારતના પૂર્વ એડિશનલ ટેક્ષ્ટાઈલ કમિશનર શ્રી એસ.પી. વર્માનો સન્માન કરી સુરતની ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રી માટે કરેલા કાર્યો બદલ તેમનો આભાર માન્યો હતો.