ક્રિકેટજગતમાં શોકનું મોજું, એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં નિધન

jainshilp samachar

ક્રિકેટજગતમાં શોકનું મોજું, એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં નિધન

આજનો દિવસ ક્રિકેટજગત માટે દુઃખદાયક સાબિત થયો છે. 46 વર્ષીય ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું નિધન થયું છે. સૂત્રો મુજબ, એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં એક કાર અકસ્માતમાં નિધન થયું હતું. તેને બચાવવાની અનેક કોશિશ નાકામિયાબ રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે રોડ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. 

એન્ડ્રુ સાયમન્ડ્સના નિધન બાદ ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નોંધનીય છે કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ભૂતપૂર્વ ખેલાડી શેન વોર્નનું પણ નિધન થયું હતું.

સૂત્રો અનુસાર, ક્વીન્સલેન્ડ પોલીસ અનુસાર, શહેરથી લગભગ 50 કિમી પશ્ચિમમાં હર્વે રેન્જમાં રાત્રે લગભગ 10:30 વાગ્યાની આસપાસ એક અકસ્માત થયો. આ માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કાર સ્પીડમાં હોવાથી રોડ પર પલટી ગઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સ કારમાં સવાર હતા.

પોલીસે જણાવ્યું કે અકસ્માત એલિસ રિવર બ્રિજ પાસે થયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ મારફતે એન્ડ્રુ સાયમન્ડ્સને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ડોક્ટરોએ એન્ડ્ર્યુ સાયમન્ડ્સને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ સાબિત થયા. ડૉક્ટરોએ જણાવ્યું કે આ અકસ્માતમાં સાયમન્ડ્સને ખુબ જ ગંભીર ઈજાઓ થઈ હતી. કારમાં તે એકલો હતો. તમામ પ્રયાસો છતાં એન્ડ્રુને બચાવી શકાયો ન હતો.

46 વર્ષીય એન્ડ્ર્યુ સાયમન્ડ્સના નિધન બાદ તેના ચાહકો નિરાશ થયા છે. જ્યારે, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે એક ટ્વિટ દ્વારા પોતાનું દુઃખ શેર કર્યું છે. તેણે કહ્યું કે આ ઘટના ખૂબ જ પીડાદાયક છે.