મોટીવેડ ગામ તથા શાળાનું ગૌરવ એટલે ચંદ્રકાન્ત કંથારિયા
008
જૈનશિલ્પ સમાચાર, સુરત
ભાગળ ખાતે આવેલી યુનિયન સ્કૂલમાં શિક્ષક તરીકેની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને અંતે નિવૃત્ત થયા બાદ પણ પોતાની સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખનારા એક માત્ર શિક્ષક તે છે જેનું નામ છે ચંદ્રકાન્ત કંથારિયા. નિવૃત્તિ બાદ પણ ચંદ્રકાન્ત કંથારિયા મોટી વેડ ખાતે આવેલી પોતાની માતૃભૂમિ શાળા ક્રમાંક 186માં કોઈ પણ વેતન વગર નિરંતર દશ વર્ષ સુધી સેવા પ્રદાન કરી હતી. વર્ષ 2012થી વર્ષ 2021 સુધી નિયમિત શિક્ષક તરીકે સેવા દરમિયાન તેઓ વી.ટી. ચોક્સી લો કોલેજમાં અભ્યાસ કર્યા બાદ તેઓ એડવોકેટ બન્યા. તેઓ ઉપરોક્ત સ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કરી સતત 50 વર્ષથી પણ વધુ સમયથી શાળા સાથે જોડાયેલા રહ્યા છે. શાળામાં એસ.એમ.સી.ના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી શાળામાં હંમેશા એક્ટિવ રહ્યા છે.
મોટી વેડ ગામ સને 1976થી શહેરમાં જોડાયું હતું ત્યારથી સતત કાર્યશીલ રહી એકલે હાથે કોર્પોરેશનમાં રજૂઆત કરી ગામમાં જે. પી. નારાયણ બાગ બનાવવામાં મોટો સહયોગ આપ્યો અને અંતે તે સ્વપ્નું સાકાર કર્યું. ગામમાં આવેલા ક્રિકેટનું મેદાન પણ કોર્પોરેશનમાં ફાળવવા ભૂતપૂર્વ કોર્પોરેટર રસીકભાઈ રાણા સાથે રજૂઆતો કરી ગામના છોકરાઓને ક્રિકેટ તથા વોલીબોલ માટે ફાળવવામાં સહયોગ આપ્યો. ખાસ કરીને નિરાધાર વિધવાઓને પેન્શન, સ્ટ્રીટલાઈટ, પીવાના પાણી અંગે અનેક રજૂઆતો તેઓ કરી ચૂક્યા છે. આ બાબતોને ધ્યાનમાં લઈને તેમને દ્વિતીય લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. મોટીવેડ ગામ તથા શાળાનું જેણે ગૌરવ વધાર્યું છે તેવા ચંદ્રકાન્તભાઈ ખુશાલભાઈ કંથારિયાને જૈનશિલ્પ સમાચાર વતી હું જયંતિ એમ. સોલંકી અભિનંદન પાઠવું છું અને તેમના દીર્ઘાયુષ્યની કામના કરું છું.
હંમેશા હસાવનારા ચંદ્રકાન્ત કંથારિયાનો રમૂજી સ્વભાવ
એક સમયે હું ભાગળ નજીક આવેલી યુનિયન ઝવેરી સ્કૂલમાં કમ્પ્યૂટરમાં ડેટા એન્ટ્રી માટે કામ કરતો હતો ત્યારે તે સમયના પ્રફુલ્લભાઈ પ્રિન્સિપાલ તરીકે બિરાજમાન હતા. તે સમયે પણ ચંદ્રકાન્તભાઈ કંથારિયા તથા સાયણવાળા સાહેબ અને અન્ય સાહેબો પ્રફુલ્લભાઈ સાથે હસી મજાક કરતા હોય અને હું કમ્પ્યૂટર પર ડેટા એન્ટ્રી કરતો હોઉં. તે સમયે પણ સૌથી વધુ જો કોઈ હસાવવાનું કામ કરતા તો ચંદ્રકાન્તભાઈ હતા. જોકે આજે પ્રફુલ્લભાઈ કે જેઓ યુનિયન સ્કૂલના પ્રિન્સિપાલ હતા તે આપણી વચ્ચે નથી પણ તેઓ પણ ઘણા જ રમૂજી સ્વભાવના હતા અને હંમેશા શિક્ષકોને મજા કરાવતા અને ખુશ રાખવામાં જ પોતાનું ગૌરવ અનુભવતા. પ્રફુલ્લભાઈને પણ મારા ન્યૂઝ પેપર જૈનશિલ્પ સમાચાર તથા મારા વતી શ્રદ્ધાંજલિ પાઠવું છું.