ગીર-સોમનાથમાં ભારે વરસાદ, પ્રાચી તીર્થનું માઘવરાય મંદિર ફરી પાણીમાં...

ગીર-સોમનાથમાં ભારે વરસાદ, પ્રાચી તીર્થનું માઘવરાય મંદિર ફરી પાણીમાં...

વેરાવળ - ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ મંડાણ કર્યા હતા. જિલ્લાના છ તાલુકાઓમાં સરેરાશ 1 થી 3 ઇંચ જેટલો વરસાદ પડતાં રસ્તાઓ પર પાણીની રેલમછેલ જોવા મળતી હતી. વરસાદના પગલે જિલ્‍લાના હિરણ-2, શિંગોડા, રાવલ ડેમના દરવાજા ખોલવા પડેલા હતા. જયારે દ્રોણેશ્વર ચેકડેમ ઓવરફ્લો થયા હતા જ્યારે સરસ્‍વતી નદીમાં પૂર આવતા તેના પટમાં આવેલું પ્રાચી તીર્થનું માઘવરાય મંદિર ફરી ડૂબ્યું હતું.
ગીર સોમનાથ જિલ્‍લાના વાતાવરણમાં અચાનક પલટાની સાથે કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. મેઘરાજાની પધરામણી થતાં સાંજ સુઘી ધીમી ધારે અવિરત ચાલુ રહ્યો હતો. સાંજ સુધીમાં જિલ્લામાં સૌથી વધુ ગીર ગઢડામાં ત્રણ ઈંચ જ્યારે સૌથી ઓછો ઉનામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. આજે જિલ્‍લાના 6 તાલુકામાં બપોરે 12 થી સાંજે 6 વાગ્‍યા સુઘીમાં પડેલા વરસાદમાં ગીરગઢડામાં 76 મીમી (3 ઇંચ), વેરાવળમાં 42 મીમી (1.5 ઇંચ), સુત્રાપાડામાં 47 મીમી (2 ઇંચ), તાલાલામાં 46 મીમી (2 ઇંચ), કોડીનારમાં 19 મીમી (અડધો ઇંચ), ઉનામાં 14 મીમી (અડધો ઇંચ) પડ્યો હતો. સાર્વત્રિક વરસાદ વરસવાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જ્યારે શહેરી વિસ્‍તારમાં રસ્‍તાઓ પર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં શેરીઓમાં વરસાદી પાણીની નદી વહેતી જોવા મળી હતી. જયારે ગીર જંગલ વિસ્‍તારમાં પણ ભારે વરસાદ વરસ્‍યો હોવાનું જાણવા મળ્યું છે. જિલ્‍લાની સરસ્‍વતી નદીમાં પુરની સ્‍થ‍િતિ સર્જાય હોય તેમ નદીના પટમાં આવેલા પ્રખ્‍યાત પ્રાચી તીર્થનું માઘવરાય મંદિર ફરી પાણીમાં ગરક થયું હતું. ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં ચોથી વખત માઘવરાય મંદિર જળમગ્‍ન થયું હોવાનું જાણવા મળે છે. તો સરસ્‍વતી નદીમાં પુરની સ્‍થ‍િતિ જોવા લોકો ઉમટી પડયા હતા. રાવલ ડેમમાં વરસાદી પાણીની ભરપુર આવકના પગલે બે દરવાજા એક-એક ફૂટ ખોલાવામાં આવ્‍યા હતા. જયારે કોડીનાર પંથકમાં આવેલ શિંગોડા ડેમમાં વરસાદી પાણીની ભારે આવકના પગલે ડેમના 2 દરવાજા ખોલાવા પડયા હતા. જેમાં એક દરવાજો 0.15 મીટર અને બીજો દરવાજો 0.60 મીટર ખોલાવામાં આવ્‍યો છે. તો ડેમના દરવાજા ખોલવાને લઇ તંત્ર દ્રારા ત્રણેય ડેમની હેઠળવાસના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્‍યા હતા. ભારે વરસાદના પગલે ગીરગઢડાના દ્રોણ ગામે આવેલ દ્રોણેશ્વરનો ચેક ડેમ ઓવરફ્લો થઇ જતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા.