માંડવીના શ્રી ક્ષત્રિય ખેંગાર રાજપૂત સમાજે કરી દશેરા મહોત્સવની ઉજવણી
jainshilp samachar
શસ્ત્ર પૂજન સાથે શાસ્ત્ર પૂજનનો મહિમા વર્ણવાયો
સુરત : સુરત જિલ્લાના માંડવી નગરના શ્રી ક્ષત્રિય ખેંગાર રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજા સાથે દશેરા પર્વની ઉજવણી કરવામા આવી હતી.
ખેંગાર ફળિયામા માતાજીના મંદિર પટાંગણમા સમાજના વડીલો, પૂર્વ હોદ્દેદારોઓ, સંનિષ્ઠ કાર્યકરો, અને સમાજ બંધુઓ, અને ભગિનીઓની ઉપસ્થિતિમા યોજાયેલા કાર્યમા પ્રમુખ શ્રી ઉપેન્દ્રસિંહ ખેંગાર (બૈજુભાઈ) એ સૌને દશેરા પર્વની શુભકામનાઓ પાઠવી શસ્ત્ર સાથે શાસ્ત્રનુ પૂજન અર્ચન કરવાની હાંકલ કરી હતી.
દશેરો એ શૌર્ય અને સાહસ દાખવ્યા બાદ મળેલા વિજયનો ઉત્સવ છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે સાહસ, શૌર્ય, અને સિદ્ધિઓની સરાહના કરવામા આવતી હોય છે તેમ જણાવી પ્રમુખશ્રીએ સદનસીબે સાહસ, અને શૌર્યના સદગુણો એ રાજપૂતોમા જન્મજાત જ હોય છે તેમ ઉમેર્યું હતુ.
કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે માતાજીની સાક્ષીએ, શસ્ત્રપૂજન સાથે સમાજના નવયુવાનોએ સાહસ દર્શાવતા તલવારબાજી પણ રજૂ કરી હતી. નવ નવ દિવસની માતાજીની ભક્તિ, આરાધના બાદ આઠમ, નોમ ની વિશેષ પૂજા બાદ દશેરા પર્વે સમાજના વડીલો, મહાનુભાવોની હાજરીમા દશેરા પર્વનુ સ્નેહમિલન પણ યોજાયુ હતુ.
એક તરફ શ્રી ક્ષત્રિય ખેંગાર રાજપૂત સેવા સમાજ એક નવા જોમ અને જુસ્સા સાથે સંગઠનના કાર્યને મજબૂત કરી રહ્યુ છે. તો બીજી તરફ સમાજના સર્વાંગીણ ઉત્કર્ષ માટે અનેક નવી યોજનાઓ, અને કાર્યક્રમોના અમલીકરણ અંગે પણ, વિચાર વિમર્શ કરાઈ રહ્યો છે, તેમ જણાવતા પ્રમુખશ્રીએ, આ તબક્કે સૌને સંગઠિત થઈને, સમાજના દરેક વ્યક્તિના વિકાસના કાર્યમા સહયોગી થવાની અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે સમાજના ઉપપ્રમુખ કલ્પેશસિંહ હસમુખસિંહ ખેંગારે આભારવિધિ આટોપી હતી.