ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા. ૬થી ૮ જાન્યુઆરી દરમ્યાન સરસાણા ખાતે ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૪’ યોજાશે

EXPO-2024

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા. ૬થી ૮ જાન્યુઆરી દરમ્યાન સરસાણા ખાતે ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૪’ યોજાશે

જૈનશિલ્પ સમાચાર, સુરત
‘સીટેક્ષ એક્ષ્પો’માં ૧૦૦થી વધુ એકઝીબીટર્સ ભાગ લેશે, મલ્ટી ફીડર સકર્યુલર નિટિંગ મશીન તથા એમ્બ્રોઇડરી અને જેકાર્ડ ફેબ્રિક માટે ઉપયોગી પોઝીશનલ ડિજીટલ પ્રિન્ટીંગ મશીન પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ૬, ૭ અને ૮ જાન્યુઆરી, ર૦ર૪ ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ નવમું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળશે. ‘સીટેક્ષ– ર૦ર૪’ એ ખરેખર વિકસિત ભારતએટધરેટર૦૪૭ની દિશામાં એક મહત્વનું કદમ બની રહેશે, જે ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, પોઝીશન અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીન અને એસેસરીઝ, યાર્ન અને ફેબ્રિકસ જેવા તમામ સેકટર્સને આવરી લેવામાં આવ્યા છે, આથી જ અમને ટેક્ષ્ટાઇલ ઇનડસ્ટ્રીના તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ ર૦ર૪’નો ઉદ્‌ઘાટન સમારોહ તા. ૬ જાન્યુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે, જેમાં ઉદ્‌ઘાટક તેમજ મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના એડિશનલ ટેક્ષ્ટાઇલ સેક્રેટરી એસ.પી. વર્મા પધારશે અને તેમના વરદ હસ્તે સીટેક્ષ એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત ઉદ્‌ઘાટન સમારોહમાં ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા અને ફોસ્ટાના પ્રમુખ કૈલાસ હકીમ તથા સ્ટોબલી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેકટર સુરજીત સિંઘ મહાજન અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે જણાવ્યું હતું કે, આ એકઝીબીશનમાં ભારતમાં જ બનાવવામાં આવેલી હાઇસ્પીડ ઇલેકટ્રીક જેકાર્ડ મશીનનું પ્રદર્શન કરવામાં આવશે. જેની વિવિધ વિશેષતાઓ જોઇએ તો આ હાઇસ્પીડ ઇલેકટ્રીક જેકાર્ડ મશીન ગડર લગાવ્યા વગર ઓછામાં ઓછી હાઇટ (૮.પ)માં ડાયરેકટ મશીન પર સરળતાથી ફીટીંગ કરી શકાય છે. આ ઉપરાંત આ મશીનરીને કારણે જેકાર્ડ લગાવવા માટે ગડર લગાવવાની જરૂર પડતી નથી. સાથે જ જેકાર્ડ હાઇટવાળા મકાનની જરૂર પડતી નથી. કોઇપણ હાઇટમાં ડાયરેકટ મશીન પર ફિટીંગ થઇ શકે અને જાળા (હાર્નેસ) કપાવવાનો કોઇ ડર રહેતો નથી.

ચેમ્બરના ગૃપ ચેરમેન તેમજ ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ પ્રદર્શનમાં ભારતમાં બનેલા ૪૦૦ આરપીએમવાળું તેમજ ર૬૮૮ હૂક ધરાવતું ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન અને તેની સાથે સુપર હાઇસ્પીડ ટીએફઓનું પ્રદર્શન કરવામાં આવશે. તદુપરાંત મલ્ટી ફીડર સકર્યુલર નિટિંગ મશીન તથા એમ્બ્રોઇડરી અને જેકાર્ડ ફેબ્રિક માટે ઉપયોગી પોઝીશનલ ડિજીટલ પ્રિન્ટીંગ મશીન પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

સીટેક્ષ એકઝીબીશનના ચેરમેન સુરેશ પટેલ અને કો–ચેરમેન મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧.૩૦ લાખ સ્કવેર ફૂટમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીલરલેસ એસી હોલમાં તથા બહાર અલગથી ઉભા કરવામાં આવેલા ડોમમાં ૧૦૦થી પણ વધુ એકઝીબીટર્સ દ્વારા ટેક્ષ્ટાઇલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્‌ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેક્‌ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે.

આ પ્રદર્શનના આયોજનમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને સર્જન અને સોલટેક્ષ ઉપરાંત સુરતના ટેક્ષ્ટાઇલ એસોસીએશનો જેવા કે ફિઆસ્વી, ફોગવા, ફોસ્ટા, સાસ્કમા, સાસ્મી, પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી લિમિટેડ, વેડરોડ આર્ટ સિલ્ક સ્મોલ કો. – ઓપ. ફેડરેશન, લિ. સુરત, ધી સાઉથ ગુજરાત યાર્ન ડીલર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત ટેકચ્યુરાઇઝર્સ વેલ્ફેર એસોસીએશન, કીમ–પીપોદરા વિવર્સ એસોસીએશન, માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશન, ધી સુરત ટેક્ષ્ટાઇલ કલબ, સુરત વણકર સહકારી સંઘ, સૌરાષ્ટ્ર ટેક્ષ્ટાઇલ ટ્રેડર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશન, સુરત નેરો ફેબ્રિક એસોસીએશન, ધી ઉધના ગૃપ વિવર્સ પ્રોડયુસર કો–ઓપરેટીવ સોસાયટી, સાઉથ ગુજરાત ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન, સુરત મર્કન્ટાઇલ એસોસીએશન, શટલલેસ વિવર્સ એસોસીએશન, સુરત ઓટોલૂમ્સ વિવર્સ એસોસીએશન, ધી ઉધના ઉદ્યોગનગર સહકારી સંઘ લિમિટેડ, સકર્યુલર નીટર્સ એસોસીએશન, સુરત એમ્બ્રોઇડરી એસોસીએશન, ધી સુરત યાર્ન બ્રોકર્સ એસોસીએશન, બોમ્બે માર્કેટ આર્ટ સિલ્ક કો–ઓપરેટીવ સોસાયટી, મેરીયોટ સુરત, સત્વ હોસ્પિટલ, એરલીન્ક અને આરકે ઇન્ફ્રાટેલનો સહયોગ પ્રાપ્ત થયો છે.