આઈઈઆઈ સાઉથ ગુજરાત લોકલ સેન્ટર દ્વારા રોયલ ચાર્ટર ડે 2026ની ઉજવણી કરાઈ
IEI south
જૈનશિલ્પ સમાચાર, સુરત
ધ ઇન્સ્ટિટ્યૂશન ઓફ એન્જિનિયર્સ (ઇન્ડિયા), સાઉથ ગુજરાત લોકલ સેન્ટર (આઈઈઆઈ એસજીએલસી) દ્વારા રોયલ ચાર્ટર ડે 2026ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે 1935માં ધ ઈન્સ્ટિટ્યૂશન ઓફ એન્જિનિયર્સ (ઇન્ડિયા)ને રોયલ ચાર્ટર મળ્યાને 91 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ 91 વર્ષ એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા, વ્યાવસાયિક, પ્રામાણિકતા અને રાષ્ટ્રનિર્માણની ગૌરવપૂર્ણ સફરનું પ્રતીક છે. આ પ્રસંગે ભારતના માળખાકીય વિકાસ, મેન્યુફેક્ચરિંગ, ઊર્જા, ટેકનોલોજી અને ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી અનેક પેઢીઓના ભારતીય એન્જિનિયરોના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
ડો. કે. ડી. પંચાલ, ચેરમેન, આઈઈઆઈ સાઉથ ગુજરાત લોકલ સેન્ટરે જણાવ્યું હતું કે રોયલ ચાર્ટર માત્ર ઐતિહાસિક સન્માન નહીં પરંતુ જવાબદારીની એક પરંપરા છે. ભારત વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે એન્જિનિયરોની ભૂમિકા પડકારોને ઉકેલોમાં પરિવર્તિત કરવાની અને કૌશલ્ય, નવીનતા તથા ટેકનોલોજી દ્વારા રાષ્ટ્રને મજબૂત બનાવવાની છે.
હિમાંશુ ભટ્ટ, માનદ સચિવ, આઈઈઆઈ સાઉથ ગુજરાત લોકલ સેન્ટરે જણાવ્યું હતું કે આઈઈ એસજીએલસીને એન્જિનિયરિંગ સમુદાય માટે વધુ સક્રિય પ્લેટફોર્મ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે આઈઈઆઈ એસજીએલસી દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ તથા ઓપન સોર્સ એન્જિનિયરિંગ પ્લેટફોર્મ અને એઆઈ સહિતની નવીન ટેકનોલોજી અંગે જાગૃતિ લાવવા માટે યોજાતા ટેકનિકલ કાર્યક્રમો અને પ્રેક્ટિકલ લર્નિંગ પહેલોની માહિતી આપી.
કેન્દ્ર દ્વારા ઈન્ડસ્ટ્રી-એકેડેમિયા સહયોગને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. જેમાં વાસ્તવિક ઔદ્યોગિક પડકારોને એન્જિનિયરો, સંશોધકો અને વિદ્યાર્થીઓ સમક્ષ લાવીને સંયુક્ત રીતે તેના ઉકેલો શોધવાની તકો ઉભી કરવામાં આવશે.
રોટલ ચાર્ટર ડે નિમિત્તે આઈઈઆઈ એસજીએલસી એક કુશળ, નવીન અને ભવિષ્ય માટે તૈયાર એન્જિનિયરિંગ સમુદાયના નિર્માણ તથા ભારતને વિકસીત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાની યાત્રામાં યોગદાન આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરે છે.
https://youtu.be/GH7Hh3Pcy5U?si=RgbpPNkU29YstvFx


