પ્રભુદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે તલગાજરડામાં સંતવાણી એવોર્ડ અને વિવિધ કાર્યક્રમોનું આયોજન
Jainshilp
તલગાજરડા ખાતે પ્રતિ વર્ષ પૂજ્ય પ્રભુદાસ બાપુ હરિયાણીની પુણ્યતિથિ નિમિત્તે પૂજ્ય મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તારીખ 10 નવેમ્બર ના રોજ તલગાજરડા ગામની સર્વ જ્ઞાતિની ૧૨ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પહેલા અયોધ્યા ખાતે પૂજ્ય મોરારીબાપુએ ગણિકાઓને કેન્દ્રમાં રાખી રામકથા કરી હતી અને એ વખતે પૂજ્ય બાપુએ એવી ઘોષણા કરી હતી તે પ્રતિ વર્ષ તલગાજરડામાં યોજાતા સમૂહ લગ્નમાં જો કોઈ ગણિકાઓ પોતાની પુત્રીઓને પરણાવવા માગતી હોય તો તે લગ્ન શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તરફથી ગોઠવી આપવામાં આવશે. આ વર્ષે પણ આ સમૂહ લગ્નમાં પણ સેક્સ વર્કર બહેનો ભૂતકાળનું જીવન ભૂલી ને નવજીવન તરફ પગલાં માંડશે. શ્રીચિત્રકુટધામ ટ્રસ્ટ તરફથી પ્રત્યેક દીકરીને લગ્ન નિમિત્તે 51 હજાર રૂપિયા અર્પણ કરવામાં આવશે.
એ જ પ્રમાણે પ્રતિ વર્ષ શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તરફથી સંતવાણી એવોર્ડ પણ અર્પણ કરવામાં આવે છે. તારીખ 10 નવેમ્બર ની રાત્રે 8:00 કલાકે આ વર્ષે સંતવાણી સર્જક વંદના અન્વયે સંત કવિ શ્રી દાસી જીવણ : પ્રતિ પુજ્ય શામળાબાપુ (ઘોઘાવદર ) ને એવોર્ડ અર્પણ કરવામાં આવશે. ભજનીક નો એવોર્ડ શ્રી ખેતશી કાકુભાઈ ગઢવી (કચ્છને) અર્પણ કરવામાં આવશે. તબલાવાદક તરીકેનો એવોર્ડ શ્રી હર્ષદભાઈ રાવળ (જૂનાગઢ) ને અર્પણ કરવામાં આવશે. બેંજો વાદક શ્રી આનંદભાઈ મકવાણા- (મોરબી) ને એવોર્ડ અર્પણ કરવામાં આવશે. એ જ ક્રમમાં મંજીરા વાદક તરીકે શ્રી પરબતભાઈ પટેલ ((બાબરા) ને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુની પાવન ઉપસ્થિતિમાં યોજાતા આ કાર્યક્રમમાં જેમની વંદના કરવામાં આવશે તેમને રોકડ પુરસ્કાર, સન્માન પત્ર અને કાળી શાલથી સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમ પૂર્ણ થયેલ વિવિધ કલાકારો દ્વારા સંતવાણી પ્રસ્તુત કરવામાં આવશે.