મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને ડાંગના અંતરિયાળ વિસ્તારમાં શાલનું નિ:શુલ્ક વિતરણ કર્યું
jainshilp samachar
જૈનશિલ્પ સમાચાર, સુરત
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા - સુરત દ્વારા ડાંગ જિલ્લાના કોશીમદા, સાંવરખડી અને કાલીબેલમાં જરૂરિયાતમંદ 450 વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને શાલનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે સંત શિરોમણિ નિત્યપ્રકાશદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, જીવનમાં અભ્યાસરૂપી બેંક બેલેન્સ જમા કરશો તો જીવનભર ઉપયોગી થશે. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં વ્યસનમુક્ત જીવન જીવવાનો સંદેશ આપ્યો છે. જો આપણે વ્યસનમુક્ત રહીશું, તંદુરસ્ત રહી શકીશું અને આર્થિક રીતે પણ સમૃદ્ધ થઈશું. આપણા ઘરમાં પણ કોઈ વ્યક્તિ વ્યસન કરતા હોય તો તેમને વ્યસનમુક્ત થવા પ્રેમથી સમજાવવા જોઈએ. કાલીબેલ નિવાસી શાળાના આચાર્ય રમેશભાઈએ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ શાલ વિતરણ કાર્યક્રમમાં સંત શિરોમણિ નિત્યપ્રકાશદાસજી સ્વામી મહંત, શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરત, સંત શિરોમણિ સત્યભૂષણદાસજી સ્વામી, વાલજીભાઈ ડાંગશિયા, ધનજીભાઈ પટેલ, રાજેશ ધામેલિયા, આલોક ત્રિવેદી, કેયુર પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.