હવે રાજ્યમાં લોકો એક કાર્ડ મારફતે અનેક સુવિધા પ્રાપ્ત કરશે

gandhinagar-now

હવે રાજ્યમાં લોકો એક કાર્ડ મારફતે અનેક સુવિધા પ્રાપ્ત કરશે

ગાંધીનગર ઃ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ફરી એક વખત ગુજરાતની ગાદી પર આરૂઢ થયા બાદ પોતાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. ભૂપેન્દ્ર પટેલે પાછલા અઠવાડિયે ફેમિલી કાર્ડ સિસ્ટમ લોન્ચ કરતા પહેલા તેની સમીક્ષા કરવા માટે એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં સરકારનું કહેવું છે કે આ સિસ્ટમ લોકોને ઘણી ઉપયોગી સાબિત થશે, જેમાં એક જ કાર્ડમાં અનેક લાભો મેળવી શકાશે. શુક્રવારે યોજાયેલી આ બેઠકમાં અધિકારીઓએ એક ચિંતા પણ વ્યક્ત કરી હતી કે નાગરિકોની પ્રાયવસીનો ભંગ થવાની સંભાવના વ્યક્ત કરી છે અને પરિવારના ડેટાનો દૂરુપયોગ થવાની ચિંતા વ્યક્ત કરી છે.
સૂત્રો મુજબ નવી ફેમિલી કાર્ડ સિસ્ટમ ઉભી કરવા માટે મુખ્યમંત્રીએ સંબંધિત તમામ વિભાગો સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક કરી હતી, જેમાં લાભાર્થીઓની વિગતોને એક જ કાર્ડમાં ભેગી કરવામાં આવશે. સૂત્રએ જણાવ્યું કે, નાગરિક અને સરકાર બંન્નેને તેનાથી ફાયદો થશે. નાગરિકોને તમામ સરકારી યોજનાઓનો લાભ મળતો થશે જેમાં રેશન કાર્ડની યોજના, મફત અથવા સબસિડીવાળા આવાસ, વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને આરોગ્ય સુવિધાઓ એક જ કાર્ડ પર ઉપલબ્ધ થશે. આ તમામ વિગતો એક જ કાર્ડમાં આવી જવાથી સરકારને તેમાં થતી ખામી દૂર કરવામાં અને તેના દૂરુપયોગને રોકવામાં મદદ મળશે. ઉદાહરણ તરીકે પરિવારના એકથી વધુ સભ્યો એક જ ઘરમાં રહેતા હોવા છતાં સબસિડીવાળા આવાસને મેળવવાના લાભ ઉઠાવી રહ્યા છે. ફેમિલી કાર્ડથી આ રીતે થતા તેના દુરુપયોગને રોકી શકાશે. એક ફેમિલી કાર્ડમાં તમામ સભ્યોના વાહનો અને મિલકતની માલિકીની વિગતો પણ સમાવી લેવામાં આવશે.