અમદાવાદની એલજી મેડિકલ કોલેજનું નવું નામ હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ

અમદાવાદ: અમદાવાદની જાણીતી એલજી હોસ્પિટલની મેટ મેડિકલ કોલેજનું નામ પણ હવે બદલાઈ ગયું છે. એએમસી સંચાલિત એલજી હોસ્પિટલની પાછળના હિસ્સામાં આવેલી મેટ મેડિકલ કોલેજનું નામ બદલીને હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવામાં આવ્યું છે. આ અંગેની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકવામાં આવી હતી. જેથી દરખાસ્તને કોર્પોરેશનમાં સર્વાનુમતે મંજુરી મળી જતા હવે મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવામાં આવ્યું છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, એલજી હોસ્પિટલમાં મેટની મેડીકલ કોલેજનુ નામ નરેન્દ્ર મોદી કરવામાં આવ્યું છે. હવે મેડીકલ કોલેજ નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજના નામે આ કોલેજ ઓળખાશે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ કોલેજ બની હતી, માટે તે કોલેજનું નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવાયો છે. નરેન્દ્ર મોદી મણીનગરથી વિધાનસભાની ચૂંટણી લડી મુખ્યમંત્રીપદે બિરાજમાન થયા હતા. હવે 17 તારીખે પ્રધાનમંત્રીના જન્મ દિવસે મેટની મેડીકલ કોલેજમાં તકતીનું અનાવરણ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાયું હતું. આ ઉપરાંત આ સ્ટેડિયમના સમગ્ર સંકુલનું નામ સરદાર સંકુલ કરી દેવાયું હતું.