સંઘર્ષમય અને સાદું જીવન જીવનારા આદરણીય બાપૂ સાહેબ મલ્હારી રૂપલા માળીને ભાવભરી શ્રદ્ધાંજલિ

bada khedgav

સંઘર્ષમય અને સાદું જીવન જીવનારા આદરણીય બાપૂ સાહેબ મલ્હારી રૂપલા માળીને ભાવભરી શ્રદ્ધાંજલિ

જૈનશિલ્પ સમાચાર, સુરત 

મહારાષ્ટ્રના ચાલીસગાંવ તાલુકાના બડા ખેડગાંવ ખાતે રહેતા આદરણીય બાપૂ સાહેબ મલ્હારી રૂપલા માળી આદર્શ વ્યક્તિત્વ તરીકે જાણીતા હતા. બાપૂ સાહેબનું જીવન અત્યંત સંઘર્ષમય રહ્યું. પ્રથમ નાનો વ્યાપાર શરૂ કર્યા બાદ એક સમયે ધુલિયા જિલ્લાની માર્કેટમાં મોટો વેપાર કરવા લાગ્યા હતા. તેમને ધુલિયાની શાકભાજી માર્કેટ દ્વારા આદર્શ પુરસ્કાર પણ આપવામાં આવેલો. અત્યંત સાદુ જીવન જીવનારા બાપૂ સાહેબ ગરીબો માટે હરદમ આગળ આવતા અને તેમને મદદ માટે તત્પર રહેતા. તેઓ ભીલ સમાજ માટે અન્નદાતા તરીકે પણ ઓળખાતા હતા. આજુબાજુના ગામોમાં શાકભાજી માર્કેટમાં પોતે મોટા પાયે રાખેલા શાકભાજીને નાના-નાના વેપારીઓને હોલસેલ ભાવે આપતા. આમ ગરીબ લોકોને શાકભાજી વાજબી ભાવે મળી રહેતા સૌથી વધારે તેમને ત્યાંથી જ વધુ ખરીદ કરવા લોકો આવતા. તેમને નાના બાળકથી માંડીને વડીલો સુધી બધા જ ગામમાં ઓળખતા. ભગવત ગીતા, રામાયણ જેવા ગ્રંથો વાંચવામાં પણ તેમણે નિપુણતા પ્રાપ્ત કરેલી. આ પ્રકારના ગ્રંથો વાંચીને સરળ ભાષામાં લોકોને તેઓ સમજાવતા. પોતાના ગામમાં લગ્ન કરવાવાળા બ્રાહ્મણ ઘણા ઓછા હોવાથી તેઓ લગ્નવિધિ પણ કરી આપતા. તેઓ હંમેશા ગરીબ લોકોની સહાય માટે આગળ રહેતા. બાપૂ સાહેબ સમાજમાં પણ અગ્રણી હોવાથી ગામના વિકાસમાં હંમેશા ધ્યાન આપતા. તેમણે પોતાના બે પુત્રોમાંથી એક પુત્રને સંઘર્ષ કરીને ડોક્ટર બનાવ્યો જ્યારે બીજા પુત્રને પણ ભણાવી-ગણાવીને પત્રકાર બનાવ્યો. સમાજના અગ્રણી હોવાના નાતે તેમણે માળી સમાજના સાવતા માળી મંદિરની જગ્યા માટે પણ ઘણો જ સંઘર્ષ કરેલો. સાચે જ આદરણીય બાપૂ સાહેબ મલ્હારી રૂપલા માળીના એટલા ગુણ હતા કે તેમના વખાણ કરવા શબ્દો ઓછા પડે. સમાજમાં દાખલો બેસે તેવી છાપ છોડીને તેમનું 87 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના પરિવારજનોને આ દુઃખમાંથી પસાર થવા પરમાત્મા શક્તિ આપે તેવી અભ્યર્થના સાથે જૈનશિલ્પ સમાચાર તરફથી તેમને શ્રદ્ધાંજલિ અપાઈ છે.