'મારા અને પક્ષપ્રમુખ પાટીલ વચ્ચે કોઈ જ મતભેદ નથી' - પૂર્વ CM રૂપાણી

'મારા અને પક્ષપ્રમુખ પાટીલ વચ્ચે કોઈ જ મતભેદ નથી' - પૂર્વ CM રૂપાણી

જૈનશિલ્પ સમાચાર, સુરત

ભાજપમાં હાલ જૂથબંધી ચાલી રહી હોવાના સમાચાર ચાલતા હતાં. દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના શહેરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની મુલાકાત વખતે રૂપાણી બહાર જતાં રહ્યાં હતાં. જેથી બન્ને વચ્ચેના મતભેદો ઉડીને આંખે વળગ્યાં હોવાનું કહેવાય છે. એવા ટાણે મતભેદો અને જૂથબંધીની ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકતાં સુરતની મુલાકાતે આવેલા વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, મારા અને પક્ષપ્રમુખ પાટીલ વચ્ચે કોઈ જ મતભેદ નથી. અમે સાથે મળીને કામ કરીએ છીએ અને આગળના સમયમાં પણ સાથે રહીશું. હાલ ચૂંટણીને ઘણીવાર હોવાથી મારા લડવા અંગે કશું ન કહી શકું તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી  સુરતમાં પધાર્યા ત્યારે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જેમાં ઐતિહાસિક દીક્ષા મહોત્સવના કાર્યક્રમ બાદ દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના સાહેબની મુલાકાત કરી હતી. ત્યારબાદ ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાએ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોવાથી તેમની ખબર અંતર પૂછી બે લગ્ન પ્રસંગમાં હાજરી આપવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે.


ભાજપમાં ચાલતા જૂથવાદ અંગે સ્પષ્ટતા કરતાં રૂપાણીએ કહ્યું કે, મારા અને અધ્યક્ષ વચ્ચે કોઈ નારાજગી નથી. અમે સાથે મળીને કામ કરીએ છીએ. મારો તેમને સંપૂર્ણ સહકાર છે. સાથ આપુ છું. ચૂંટણી લડીશ કે નહીં તે અંગે અત્યારે કહેવું મુશ્કેલ છે. તેમજ પક્ષ પ્રમુખે કહ્યું છે કે, કાર્યકરોને સાંભળવામાં આવે તે યોગ્ય વાત છે અને તેનું હું પણ સમર્થન કરું છું.