કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા કાર્યકરને સ્ટેજ-સ્થાન આપતા ભાજપમાં સર્જાયો વિવાદ
jainshilp samachar
બારડોલી ખાતે વડાપ્રધાનના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અલગ-અલગ મોરચાના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી જેમાં હાલમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પ્રશાંત પરમારને સ્ટેજ-સ્થાન અપાતા કાર્યકરોમાં ક્રોધમાં આવ્યા હતા.
આગામી 11મી માર્ચના રોજ અમદાવાદ ખાતે વડાપ્રધાન મોદી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. જેમાં બારડોલી નગરના ચૂંટાયેલા નગરસેવકો ઉપરાંત અલગ-અલગ મોરચાના હોદ્દેદારોને ઉપસ્થિત રહેવાનું હોય તેના આયોજનના ભાગ રૂપે નગર ભાજપ પ્રમુખ રાકેશ ગાંધીએ એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સ્ટેજ પર પ્રમુખ ઉપરાંત સંગઠનના હોદ્દેદારો તેમજ બારડોલી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોને સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે સ્ટેજ પર એક નવો ચહેરો જોવા મળતા સભામાં કાર્યકરોએ ગણગણાટ શરૂ કર્યો હતો. દરમ્યાન આ નવો ચહેરો હાલમાં જ અમદાવાદ ખાતે જયરાજસિંહ સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પ્રશાંત પરમાર હોવાનું જાણવા મળ્યું હતું. પ્રશાંત પરમાર હજી હમણાં જ સક્રિય સભ્ય બન્યા હોય અને તાત્કાલિક સ્ટેજ પર સ્થાન આપી દેવાતા કાર્યકરોમાં ભારે નારાજગી ફેલાઈ રહી છે. પ્રશાંત પરમાર અગાઉ બારડોલી જ રહેતા હતા અને કોંગ્રેસમાંથી નગરપાલિકાની ચૂંટણી પણ લડી ચુક્યા છે. હવે તેઓને ભાજપમાં જોડાતાની સાથે જ સ્ટેજ પર સ્થાન આપી દેવામાં આવતા કાર્યકરોમાં તરેહ-તરેહની વાતો ઉઠી રહી છે.