મારી માટી, મારો દેશ અભિયાનને વેગવંતુ બનાવવા શહેરના વરાછા, કતારગામ, મજુરા ઉધના તથા ચોર્યાસી વિધાનસભામાં તિરંગા રેલી યોજાઈ

triranga yatra

મારી માટી, મારો દેશ અભિયાનને વેગવંતુ બનાવવા શહેરના વરાછા, કતારગામ, મજુરા ઉધના તથા ચોર્યાસી વિધાનસભામાં તિરંગા રેલી યોજાઈ

કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ  બાઈક રેલીમાં જોડાઈને બાઈકસવારોને પ્રોત્સાહિત કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મારી માટી, મારો દેશ તથા હર ઘર તિરંગા અભિયાન થકી દેશના નાગરિકોમાં એકતા અને રાષ્ટ્રભાવના જાગૃત થઈ રહી છેઃ કેન્દ્રીય મંત્રી રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ચાલી રહેલા મારી માટી, મારો દેશ અભિયાનને વેગવંતુ બનાવવા સુરત શહેરના વરાછા, કતારગામ અને લાલદરવાજા વિસ્તારમાં તિરંગા બાઈક રેલી યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ સરથાણા જકાતનાકા ખાતેથી જાતે મોટરસાઈકલ ચલાવી તિરંગા રેલીમાં જોડાઈને બાઈકસવારોને પ્રોત્સાહિત કર્યા હતા. તથા મજુરા વિધાનસભામાં  કારગીલ ચોક થી શરૂ કરી બ્રેડ લાઈનર સર્કલથી બમરોલી કૈલાશ નગર ચોકડી થઈ સોસીયો સર્કલ પર આ રેલીનું સમાપન થયું હતું.
તે જ પ્રમાણે ઉધના વિધાનસભામાં ધારાસભ્ય મનુભાઈ પટેલની આગેવાની હેઠળ બી.આર.સી મંદિરથી પગપાળા યાત્રા કાઢી હતી તથા વૃક્ષારોપણ અને રોપા વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશ આઝાદીના અમૃત્ત મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરી રહ્યો છે, ત્યારે જનજનમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે અર્થે વિવિધ સ્થળોએ તિરંગાયાત્રાઓ યોજાઈ રહી છે. તિરંગા યાત્રામાં સ્વેચ્છાએ જોડાનાર રાષ્ટ્રપ્રેમી યુવાનો, બાળકો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અન્યો માટે પ્રેરણાસ્રોત બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મારી માટી, મારો દેશ તથા હર ઘર તિરંગા અભિયાન થકી દેશના તમામ નાગરિકોમાં એકતા અને રાષ્ટ્રભાવના જાગૃત થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનના દેશવ્યાપી અભિયાનના આહ્વાનને સુરતની જનતાએ ઝીલ્યું છે. આજની આ તિરંગા બાઇક યાત્રામાં રત્ન કલાકાર ભાઈઓ, વિદ્યાર્થીઓ તથા ભાજપના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ વિવિધ રેલીઓમાં જોડાયા હતા.
દેશના સૌ નાગરિકો માટે તિરંગા યાત્રા દેશભક્તિનો અમૂલ્ય અવસર બન્યો છે અને પ્રત્યેક નાગરિકોમાં દેશપ્રેમ છલકાયો હોવાનું તેમણે કહ્યું હતું.
આ બાઇક તથા પગપાળા તિરંગા યાત્રામાં ઠેર-ઠેર લોકોએ પુષ્પવર્ષા કરી તમામ તિરંગા યાત્રીઓને આવકાર્યા હતા. યાત્રીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ માનભેર તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા. દેશભક્તિના ગીતો વચ્ચે આયોજિત બાઈક તિરંગા યાત્રાથી લોકોનો ઉત્સાહ બેવડાયો હતો. આ યાત્રા સરથાણા જકાતનાકાથી ચિકુવાડી, કાપોદ્રા, વરાછા રોડ, હિરાબાગ, પુર્વી સોસા. રોડ, ધરમનગર રોડ, ખોડીયાર નગર રોડ, મિનીબજાર થઇ સરદાર પ્રતિમા સુધી પહોંચી સમાપન થઈ હતી.
આ પ્રસંગે ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી, કાંતિભાઇ બલર, વિનોદભાઈ મોરડીયા,  સંદીપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, સામાજીક અંગ્રણીઓ, હીરા વ્યાપારીઓ, કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ જોડાયા હતા.