મુન્દ્રા ડ્રગ્સના મામલામાં દિલ્હીથી વધુ 16 કિલો હેરોઈન મળવાની સાથે આંક 22,000 કરોડને પાર
ગાંધીધામ - મુન્દ્રા ડ્રગ્સ મામલાની તપાસના તાર દિલ્હી, નોઈડા સુધી પહોંચતા ગત બે દિવસ સતત તપાસ અને દરોડાઓ શરૂ થયા હતા. કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે આ અંગે સત્તાવાર નિવેદન આપતા દિલ્હીથી વધુ 16 કિલો હેરોઈન પકડાયું હોવાનું જણાવ્યું હતું. જેથી અત્યાર સુધી આ મામલા સાથે જોડાયેલી તપાસમાં કુલ હેરોઈન ડ્રગ્સનો 3004 કિલોએ જથ્થો પહોંચતા જપ્ત થઈ ગયો છે. તો આ સાથેની તપાસમાં કોકેઈન અને સંદિગ્ધ હેરોઈનનો જથ્થો પણ મળી આવ્યો છે. આમ કુલ જપ્ત જથ્થાની કિંમતનો આંકડો 22 હજાર કરોડને પાર કરી રહ્યો હોવાનું સુત્રોનું માનવું છે. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ ની ગાંધીધામ શાખાએ મુન્દ્રા પોર્ટ પર ઐતિહાસિક કાર્યવાહી કરીને ગત તા. 13મી સપ્ટેમ્બરના રોજ 2988 કિલો હેરોઈનનો જથ્થો બે કન્ટેનરમાંથી પકડ્યો હતો. જે અફઘાનિસ્તાનના કંદહાર પોર્ટથી વાયા ઈરાનના બંદર અબ્બાસ પોર્ટ થઈને આવ્યો હતો. આ પ્રકરણ સાથે સંકળાયેલી તમામ કડીઓના આધારે ન્યુ દિલ્હી, નોઈડા, ચેન્નઈ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરાઈ હતી. જેમાં દિલ્હીના ગોડાઉનમાંથી 16.1 કિલો હેરોઈન મળી આવ્યું હતું. તો આ સાથે નોઈડાના રહેણાક ઘરમાંથી 10.2 કિલો સંદિગ્ધ કોકેઈન અને 11 કિલો સંદિગ્ધ હેરોઈનનો જથ્થો પણ જપ્ત કરાયો હતો. આ દિશામા ચાલતી તપાસમાં જેની તપાસમાં પહેલાજ ડીઆરઆઈ આંધ્રપ્રદેશના વિજયવાડામાં નોંધાયેલી આયાતકાર પેઢી આશી ટ્રેડીંગ પ્રા. લી. ના માલિક દંપતી સુધાકર અને વૈશાલીને ઝડપીને ભુજની જેલ હવાલે કરી ચુકી છે. ત્યારે હવે સત્તાવાર રીતે બહાર આવતી વિગતો અનુસાર 4 અફઘાનિસ્તાનના નાગરિકો, એક ઉઝબેકીસ્તાનનો નાગરીક અને બે આયાતકાર સહિત ત્રણ ભારતીય આમ કુલ 8ની ધરપકડ થઈ ચૂકી છે. મુન્દ્રાથી ડ્રગ્સની જપ્તી બાદ આજ આયાતકાર પાર્ટી અને આજ ડિક્લેરેશનથી કેટલા કન્સાઈમેન્ટ પસાર થઈ ચુક્યા છે. તેની તપાસ કરવામાં આવતા આજ વર્ષે જુનમાં આવા જ ડિક્લેરેશન સાથેનું કન્ટેનર પસાર થઈ ગયાનું ખૂલ્યું હતું. તાજેતરમાં વિજયવાડાના પોલીસ અધિક્ષકે પોતાની સત્તાવાર યાદીમાં આ કન્ટૅનર વિજયવાડા નહિ, પરંતુ દિલ્હી ગયાનું જણાવ્યું હતું. જેમાં પણ સંભવિત રીતે હજારો કરોડનો ડ્રગ્સનો જથ્થો પગ કરી ગયું હોવાની શક્યતાના આધારે ઉપરથી નીચે સુધીની તપાસનો દોર દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વધવા પામ્યો છે. મુન્દ્રા પોર્ટમાં ઝડપાયેલા ડ્રગ્સ પ્રકરણમાં ડીઆરઆઈ દ્વારા ગત દિવસોમાં ગાંધીધામ, ન્યુ દિલ્હી, નોઇડા, ચેન્નઈ, કોઈમ્બતુર, અમદાવાદ, માંડવી, વિજયવાડામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા. હજુ પણ તપાસનો દોર આગળ ધપતો હોઇ બહાર આવતી કડીઓમાં વધુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવનારા હોવાનો સંકેત પણ અપાયો હતો. મુન્દ્રામાં બે કન્ટૅનર કે જેમાં પ્રોસેસ કર્યા વગરનો ટેલ્ક પાવડર હોવાનું જાહેર કરાયું હતું. તે બંન્નેમાં પાવડરના જથ્થાને જમ્બો બેગ્સમાં રખાયા હતા. જેમાં હેરોઈનનો જથ્થો બેગ્સની સૌથી નીચેની લેયરમાં રખાયો હતો. જો તપાસ કરાય તો ઉપરથી ટેલ્કમ આવતા પકડાતા બચી શકાય તેવી મોડસ ઓપરેન્ડી ડ્રગ્સ સ્મગલર્સ દ્વારા ઉપયોગમાં લવાઈ હોવાનું સામે આવવા પામ્યું છે.