લખીમપુર ખેરીમાં બે દલિત દીકરીઓ પર દુષ્કર્મ કરી હત્યા કરી લટકાવી ઝાડ પર

jainshilp samachar

લખીમપુર ખેરીમાં બે દલિત દીકરીઓ પર દુષ્કર્મ કરી હત્યા કરી લટકાવી ઝાડ પર

સોહેલ અને જુનૈદે દુષ્કર્મ આચર્યું ઃ પ્રાથમિક તપાસમાં ખુલ્યું

બંને છોકરીઓની ગળું દબાવી હત્યા કરી, ૬ લોકોની ધરપકડ

લખીમપુર ખેરીમાં નિગાસન પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બુધવારે સાંજે લગભગ ૬ વાગે અનુસૂચિત જાતિની બે સગીર બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળ્યા હતા. માતાનું કહેવું છે કે એક કલાક પહેલા પડોશી અને અન્ય ત્રણ યુવકોએ તેની સામે તેની બે દીકરીઓનું અપહરણ કર્યુ હતું. બળાત્કાર બાદ હત્યાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
માતાના કહેવા પ્રમાણે ચારેય આરોપીઓ અચાનક ઘરમાં ઘૂસી ગયા અને ઝપાઝપીમાં, તેઓ તેમની ૧૭ અને ૧૪ વર્ષની બે પુત્રીઓને લઇ જવા લાગ્યા. રોકવા પર, એક આરોપીએ માતાને નીચે ધક્કો માર્યો. અન્ય આરોપીઓએ બંને બહેનોને બળજબરીથી બાઇક પર બેસાડી ગામની બહાર ભાગી ગયા હતા.
આ ઘટનાથી રોષે ભરાયેલા પરિવારજનોએ ગ્રામજનો સાથે મળીને સદર ચોકડી પર ચક્કાજામ કરી દીધો હતો. આઇજી રેન્જ લક્ષ્મી સિંહે આરોપીઓ સામે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું. ત્યારબાદ લગભગ ૧૧ વાગે ચક્કાજામ પૂર્ણ થઇ ગયો. ત્રણ આરોપીઓ અન્ય સમુદાયના હોવાનું કહેવાય છે. જે બાદ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ એન્કાઉન્ટર દરમિયાન એક આરોપીને પગમાં ગોળી વાગવાથી ઇજા થઇ હતી. લખીમપુર ખેરીના એસ.પી. સંજીવ સુમને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે છ આરોપીઓની ઓળખ છોટુ, જુનૈદ, સોહેલ, હફિઝુલ, કરીમુદ્દીન અને આરીફ તરીકે થઇ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સોહેલ અને જુનૈદે બંને છોકરીઓને નજીકના ખેતરમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હતો.
લખીમપુર ખેરીમાં બે દલિત દીકરીઓ પર સામૂહિક બળાત્કાર બાદ હત્યા કેસમાં પોસ્ટમોર્ટમ આવ્યું છે. યુવતીઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવાની અને ત્યારબાદ લટકાવવાની પુષ્ટિ થઇ છે. માહિતી આપતા એસપીએ કહયું કે ત્રણ ડોકટરોની પેનલે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં છોકરીઓના શરીર પર કોઇ ઇજાના નિશાન જોવા મળ્યા નથી. લખીમપુર ખેરી હત્યા કેસમાં છોકરીઓના પોસ્ટમોર્ટમ પર સીએમઓ અરૂણેન્દ્ર ત્રિપાઠીએ કહયું કે કોર્ટમાં રિપોર્ટ જમા કરાવશે અને તેની નકલ એસપીને સોંપશે. એવું કહેવામાં આવ્યું હતું કે છોકરીઓએ માંગ કરી હતી કે આરોપીએ તેમની સાથે લગ્ન કરવા જોઇએ. ત્યારબાદ તેમની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. હફીઝુલ, આરીફ અને કરીમુદ્દીને જુનેદ અને સોહેલને ઝાડ પર લટકાવવામાં મદદ કરી હતી. એસપી સુમને જણાવ્યું કે છોટુ સિવાયના તમામ આરોપીઓ લખીમપુર ખેરીના લાલપુર ગામના રહેવાસી છે. પીડિતાના પડોશી છોટુએ બંને યુવતીઓનો આરોપી સાથે પરિચય કરાવ્યો હતો.