ભીમરત્ન મહાબુદ્ધ વિહારમાં ભીમસંકલ્પ દિવસ ઉજવાયો
jainshilp samachar
જૈનશિલ્પ સમાચાર, સુરત
નવબુદ્ધ યુવક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કોસાડ આવાસ સ્થિત ભીમરત્ન મહાબુદ્ધ વિહારમાં તથા રિલાયન્સ ચોકડી, સાયણ રોડ પર આવેલા ડૉ. બાબા સાહેબ સર્કલ ખાતે આજ રોજ ભીમ સંકલ્પ દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રતન આર. નિકુમે ત્રિશરણ પંચશીલ વંદના બાદ ભીમ સંકલ્પ દિવસ વિશે ટૂંકમાં સમજ આપી હતી. જ્યારે રામસુરત વિધાયકે ડૉ. બાબા સાહેબ સર્કલ પાસે ડૉ. બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પિત કરી લોકોમાં એકતા અને ભાઈચારો જળવાય તે અંગે પ્રવચન આપ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રતન આર. નિકુમ, રામસુરત વિધાયક, ધનરાજ ઠાકરે, મહેન્દ્ર બૈસાણે, છોટુ ભોગરે, યોગેન્દ્ર ભારતી, વિનુ બાબરીયા, યશવંત કઠરે હતા જ્યારે મહિલાઓમાં અનસુયાબેન નિકુમ, ઉષાબેન બૈસાણે, રેખાબેન થોરાટ તથા રેણુકાબેન નિકુમ ઉપસ્થિત રહ્યા હતા.
23મી સપ્ટેમ્બર, 1917 ભીમ સંકલ્પ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે બાબા સાહેબને અપમાનિત કરીને ભાડાના ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. તે સમયે બાબા સાહેબને એક બગીચામાં બેસીને રડતાં-રડતાં રાત ગુજારવી પડી હતી. ત્યારે તેમણે સંકલ્પ લીધો હતો તે સંકલ્પ ભૂમિ વડોદરામાં છે. તે સમયે બાબા સાહેબે જાતિવાદ પ્રથાને ઉખાડી ફેંકવા જીવન સમર્પિત કરવાનો સંકલ્પ લીધો હતો. આ નિર્ણય સયાજીરાવ બગીચામાં લીધો હતો. 23મી સપ્ટેમ્બરના રોજ લાખો લોકો અહીં આવે છે. 14મી એપ્રિલ, 2006ના રોજ આ જગ્યાનું નામ સંકલ્પ ભૂમિ આપવામાં આવ્યું હતું. સંકલ્પ ભૂમિ અનુસૂચિત જાતિના લોકો માટે તીર્થ સ્વરૂપમાં વિકસિત થયું છે. અહીં લોકો બૌદ્ધ ધર્મની દીક્ષા લેવા માટે આવતા હોય છે.