ભારતના કેન્દ્રિય જલશકિત મંત્રી સી.આર. પાટીલના હસ્તે સરસાણા ખાતે SGCCI દ્વારા આયોજિત ટેક્ષ્ટાઇલ મશીનરી એક્ષ્પો ‘સીટેક્ષ– ર૦રપ’નો શુભારંભ

sgcci samaroh

ભારતના કેન્દ્રિય જલશકિત મંત્રી સી.આર. પાટીલના હસ્તે સરસાણા ખાતે SGCCI દ્વારા આયોજિત ટેક્ષ્ટાઇલ મશીનરી એક્ષ્પો ‘સીટેક્ષ– ર૦રપ’નો શુભારંભ
  • સીટેક્ષ એકઝીબીશન થકી વૈશ્વિક સ્તરે ઇનોવેટ અને મેન્યુફેકચર્ડ થતી અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓથી ઉદ્યોગકારોને રૂબરૂ કરાય છે : ચેમ્બર પ્રમુખ વિજય મેવાવાલા

  • SGCCI દ્વારા આયોજિત સીટેક્ષ એકઝીબીશનમાં પ્રદર્શિત થઇ રહેલી અદ્યતન મશીનરી પર હાઇ કવોલિટી પ્રોડકટનું ઉત્પાદન કરીને ઉદ્યોગકારો વિદેશોમાં ટેક્ષ્ટાઇલનું એક્ષ્પોર્ટ વધારી શકશે : ભારતના કેન્દ્રિય જલશકિત મંત્રી સી.આર. પાટીલ

  • સુરતના કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારધીએ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને સીટેક્ષની સફળતા માટે શુભેચ્છા પાઠવી

જૈનશિલ્પ સમાચાર, સુરત

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧૦, ૧૧ અને ૧ર જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે.

શુક્રવાર, તા. ૧૦ જાન્યુઆરીના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સીટેક્ષ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન અને ઉદ્‌ઘાટક તરીકે ભારત સરકારના કેન્દ્રિય જલશકિત મંત્રી સી.આર. પાટીલ પધાર્યા હતા અને તેમના વરદ્‌ હસ્તે સીટેક્ષ એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. સુરતના કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારધીએ સમારોહમાં અતિથિ વિશેષ તરીકેનું સ્થાન શોભાવ્યું હતું. આ પ્રસંગે ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેમજ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન શ્રી પરેશ પટેલ પણ ઉપસ્થિત રહયા હતા.

SGCCIના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળશે. કવોલિટી ફેબ્રિકના ઉત્પાદન માટે અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરી ખૂબ જ જરૂરી છે. વૈશ્વિક સ્તરે હવે કવોલિટી પ્રોડકશનની માંગ વધી છે. જો ગ્લોબલી માર્કેટમાં ઝંપલાવવું હોય તો કવોલિટી પ્રોડકશન સિવાય કોઇ છુટકારો જ નથી અને કવોલિટી પ્રોડકશન માટે અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરી સિવાય કોઇ પર્યાય નથી, આથી SGCCI દ્વારા દર વર્ષે આ એકઝીબીશન થકી વૈશ્વિક સ્તરે ઇનોવેટ અને મેન્યુફેકચર્ડ થતી અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓથી ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને રૂબરૂ કરવામાં આવે છે.

સીટેક્ષ એકઝીબીશનમાં મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત ભારતમાં જ બનાવવામાં આવેલી વોટરજેટ મશીન, હાઇ સ્પીડ રેપિયર મશીન અને શટલ લુમ વીથ સેવન શટલ ૪ બાય ૪ મશીનરી પ્રદર્શન માટે મૂકવામાં આવી છે. આ મશીનરીથી વેલ્યુ એડેડ ફેબ્રિકનું પ્રોડકશન લઇ શકાય છે, જેમાં સોના–ચાંદીના તારના ઉપયોગથી સેમી સિલ્કનું કપડું બનાવી શકાય છે. આ ઉપરાંત વેલ્વેટ એરજેટ મશીનરી પણ પ્રદર્શન માટે મૂકવામાં આવી છે. અત્યારે કોરિયાથી જે હાઇ કવોલિટી વેલ્વેટની આયાત કરાય છે તેનું પ્રોડકશન વેલ્વેટ એરજેટ મશીનરી પર લઇ શકાશે. આ ઉપરાંત ડિજિટલ પ્રિન્ટીંગ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડેશનને કારણે સુરતમાં હવે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને જબરજસ્ત વેગ મળશે.

ભારત સરકારના કેન્દ્રિય જલશકિત મંત્રી શ્રી સી.આર. પાટીલે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, SGCCI દ્વારા નવી ટેકનોલોજી સાથેની ટેક્ષ્ટાઇલ મશીનરીના પ્રદર્શન માટે જે એકઝીબીશનનું આયોજન કરાયું છે તેનો લાભ સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને થશે. ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો આ ટેકનોલોજીના ઉપયોગથી કવોલિટી પ્રોડકશન લઇ શકશે. ઉદ્યોગકારો પ્રોડકશનની કોસ્ટ ઘટાડી શકશે, જેથી કરીને લોકોને સસ્તી અને સસ્ટેનેબલ પ્રોડકટ મળી રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા સીટેક્ષ એકઝીબીશનને કારણે સુરત શહેરને પણ લાભ થશે. આ એકઝીબીશનમાં પ્રદર્શિત થઇ રહેલી નવી ટેકનોલોજીવાળી મશીનરીમાં ઉદ્યોગકારો રોકાણ કરશે અને તેને કારણે રોજગારીમાં પણ વધારો થશે. આ ઉપરાંત અદ્યતન મશીનરી પર હાઇ કવોલિટી પ્રોડકટનું ઉત્પાદન કરીને ઉદ્યોગકારો વિદેશોમાં ટેક્ષ્ટાઇલનું એક્ષ્પોર્ટ પણ વધારી શકશે.

સુરતના કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારધીએ સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને સીટેક્ષ એકઝીબીશનની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસી, માનદ્‌ મંત્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી મૃણાલ શુકલ, ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલા, સીટેક્ષ એકઝીબીશનના ચેરમેન સુરેશ પટેલ તથા કો–ચેરમેનો મયુર ગોળવાલા અને રીતેશ બોડાવાલા, ચેમ્બરના પૂર્વ પ્રમુખો, સભ્યો અને એકઝીબીટર્સ ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહયા હતા.