ચેમ્બર દ્વારા ‘ગારમેન્ટ ટેકનોલોજી, કવોલિટી અને પ્રોડકટીવિટી’વિષે સેમિનાર યોજાયો, ઉદ્યોગકારોને વિસ્તૃત જાણકારી અપાઇ
TECHNOLOGY

ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મહત્વની બાબત કવોલિટી અને પ્રોડકટીવિટી છે, ઉદ્યોગકારો જો આ બંને બાબતો પર ધ્યાન આપે તો તેઓને ઇન્ડસ્ટ્રીમાં આગળ વધતા કોઇ અટકાવી શકે નહીં : એપેરલ એન્ડ લેધર ટેકનિકસના મેનેજિંગ ડિરેકટર શ્રી મધુ કપુર
જૈનશિલ્પ સમાચાર, સુરત
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૩ એપ્રિલ, ર૦રપના રોજ સાંજે પઃ૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે ‘ગારમેન્ટ ટેકનોલોજી, કવોલિટી એન્ડ પ્રોડકટીવિટી’ વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં નિષ્ણાંત વકતા તરીકે એપેરલ એન્ડ લેધર ટેકનિકસના મેનેજિંગ ડિરેકટર અને બેંગ્લોરની એ.એલ.ટી. ટ્રેઇનીંગ કોલેજ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી મધુ કપુરે સુરતના ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવી તેમાં સફળ થવા માટેના તમામ પાસાઓથી માહિતગાર કર્યા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે જરૂરી ફેબ્રિક, ટેકનોલોજી અને લેબરથી માંડીને દરેક વસ્તુ સુરતમાં છે, પરંતુ એના માટે સ્કીલ ડેવલપમેન્ટની જરૂર છે. સ્કીલ્ડ લેબર ઓછા હોવાને કારણે સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી જોઇએ એટલી ડેવલપ થઇ નથી પણ ધીમે ધીમે હવે સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીનો ડેવલપ થઇ રહી છે. સુરત ટેક્ષ્ટાઇલનું હબ છે અને અહીંથી બધું કાપડ અન્ય સ્થળે જાય છે અને ત્યાં ગારમેન્ટ બનીને એક્ષ્પોર્ટ થાય છે, આથી તેમણે સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને ગારમેન્ટ બનાવીને સુરતથી જ એક્ષ્પોર્ટ કરવાની દિશામાં આગળ વધવા અનુરોધ કર્યો હતો.
એપેરલ એન્ડ લેધર ટેકનિકસના મેનેજિંગ ડિરેકટર શ્રી મધુ કપુરે સુરતના ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ ફેકટરી નાંખવા માટેના તમામ પાસાઓથી માહિતગાર કર્યા હતા. ગારમેન્ટ બનાવનારા ઉદ્યોગકારોએ રો મટિરિયલ તેમજ ફેબ્રિકનું ઇન્સ્પેકશન કરવું જોઇએ. રો મટિરિયલને જ્યાં સુધી તપાસવામાં આવે નહીં ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો જોઇએ નહીં. પહેલા રો મટિરિયલને શ્રીન્કીંગ કરવું જોઇએ. ત્યારબાદ કપડાને ફિનીશીંગ કરવું જરૂરી છે. તેમણે ઓટો કટીંગની મહત્વની પ્રોસેસ વિષે પણ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, તેનાથી ૭ ટકાની બચત થાય છે.
તેમણે જણાવ્યું હતું કે, કૃષિ બાદ હવે ટેક્ષ્ટાઇલમાં ગારમેન્ટ સેકટરમાં રોજગારી વધી રહી છે. જે ઉદ્યોગકારો ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવવા માગી રહયા છે તેઓ શરૂઆતમાં ઓછા મશીનોથી ગારમેન્ટ ફેકટરી શરૂ કરી શકે છે. શરૂઆતમાં પ૦ મશીનો લગાવી ઉદ્યોગકારે બિઝનેસનું નોલેજ મેળવવું જોઇએ, લેબરોને ટ્રેઇનીંગ આપીને તેઓને ટ્રેઇન કરવા જોઇએ અને ત્યારબાદ મશીનો વધારીને બિઝનેસને એક્ષ્પાન્ડ કરવો જોઇએ. તેમણે ઉદ્યોગકારોને કહયું હતું કે, ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મહત્વની બાબત કવોલિટી અને પ્રોડકટીવિટી છે. ઉદ્યોગકારો જો આ બંને બાબતો પર ધ્યાન આપે તો તેઓને ઇન્ડસ્ટ્રીમાં આગળ વધતા કોઇ અટકાવી શકે નહીં.
શ્રી મધુ કપુરે ગારમેન્ટ ફેકટરી માટેની વિવિધ મશીનરીઓ જેવી કે મેન્યુઅલ લેઇંગ એન્ડ કટીંગ, વુવન બેઇઝ વાઇન્ડીંગ મશીન, ઓટોમેટીક સ્ટ્રીપ કટીંગ મશીન, લેસર કટીંગ મશીન, ફયુઝીંગ પ્રેસ એન્ડ નીડલ ડિટેકટર મશીન, મીડ પ્રોસેસિંગ/આસિસ્ટીંગ મશીન, સ્નેપ અટેચીંગ મશીન, અલ્ટ્રાસોનિક મશીન, બીડ અટેચીંગ મશીન, ફેબ્રિક પ્લીટિંગ મશીન, સ્યુઇંગ એન્ડ ફિનિશીંગ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. ગારમેન્ટ બનાવવા માટેની મશીનમાં કયા પ્રકારની સ્પેસિફિકેશન હોવી જોઇએ તેના વિષે માહિતી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સેમિનારનું સંચાલન કર્યું હતું. સેમિનારના કન્વીનર સુશ્રી રીતુ શાહે નિષ્ણાત વકતા શ્રી મધુ કપુરનો પરિચય આપ્યો હતો. સેમિનારમાં ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકોના ગારમેન્ટ ફેકટરી નાંખવા માટેના વિવિધ સવાલોના વકતાએ સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.