રૂ.૧૨૮૫ કરોડના ખર્ચે સુરત અને ઉધના રેલવે સ્ટેશનનું ચાર વર્ષની સમયમર્યાદામાં રિડેવલપમેન્ટ થશે

1.

સુરત: સુરત, ઉધના અને ઉદયપુર રેલવે સ્ટેશનોના રિડેવલપમેન્ટ માટે તા.૧૪ સપ્ટેમ્બરના રોજ ભારતીય રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન (આઈઆરએસડીસી) દ્વારા પ્રી-બિડ બેઠક યોજાઈ હતી. વધુ સારી મુસાફરીના અનુભવ સાથે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અત્યાધુનિક સુવિધાઓ તેમજ રેલવે સ્ટેશનોને 'રેલોપોલિસ'માં રૂપાંતરિત કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલી બેઠકમાં ૧૪ ડેવલપર્સ-કન્સલ્ટન્ટ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકમાં આઈઆરએસડીસીના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી એસ.કે. લોહિયાએ જણાવ્યું હતું કે, સુરત, ઉધના અને ઉદયપુર રેલવે સ્ટેશનના પુન:વિકાસ માટેની પ્રી-બિડ બેઠકોને મળેલા અપ્રતિમ પ્રતિસાદથી અમે ઉત્સાહિત છીએ. રૂ.૧૨૮૫ કરોડના ખર્ચે સુરત અને ઉધના રેલવે સ્ટેશનનું ચાર વર્ષની સમયમર્યાદામાં રિડેવલપમેન્ટ થશે. સ્ટેશનોને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવા બનાવવા અને મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ આપવા નિયત ધારાધોરણો અનુસાર રિડેવલપમેન્ટ કરાશે. સ્ટેશનોમાં વધુ સારી કનેક્ટિવિટી, મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ ઇન્ટિગ્રેશન અને રિટેલ અને રિયલ એસ્ટેટને વેગ મળવા સાથે રોજગારીની વિપુલ તકો પણ ઉભી થશે, જેનાથી સંબંધિત ક્ષેત્રોના સામાજિક-આર્થિક પરિવર્તનની શરૂઆત થશે. આ જ રીતે ઉદયપુર સ્ટેશનને પણ ત્રણ વર્ષમાં રૂ.૧૩૨ કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. સુરત ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (એસઆઈટીસીઓ) દ્વારા સુરત મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (એમએમટીએચ) રેલવે સ્ટેશનને વિકસાવવામાં આવશે. સુરત પ્રોજેક્ટના પ્રસ્તાવિત સુવિધાઓમાં સરળ અને સુવિધાયુક્ત પ્રવેશ, વધુ સારી કનેક્ટિવિટી, સુરતની પૂર્વ બાજુને કનેક્ટિવિટી પૂરી પાડવા માટેનો નવો પૂર્વ-પશ્ચિમ માર્ગ, રેલવે પ્લેટફોર્મ, જીએસટીઆરસી ટર્મિનલને વિના અવરોધ કનેક્ટિવિટી માટે પેસેન્જર ઇન્ટરચેન્જ પ્લાઝાના રૂપમાં સેન્ટ્રલ કોનકોર્સ અને વોકવેનો સમાવેશ થાય છે, મુસાફરો માટે બીઆરટીએસ/સિટી બસ ટર્મિનલ, પ્રસ્તાવિત મેટ્રો, પાર્કિંગ ઝોન, મનોરંજન વિસ્તાર, સરળ ચિહ્નો વગેરે સુવિધાને આવરી લેવામાં આવી છે. સુરત મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (એમએમટીએચ) રેલવે સ્ટેશનના પુન:વિકાસ અંતર્ગત સુરતના એમ.એમ.ટી.એચ. રેલવે સ્ટેશનના વિકાસ માટે કુલ વિસ્તાર ૩,૪૦,૧૩૧ ચોરસ મીટર અને ઉધના રેલવે સ્ટેશન માટે ૭,૩૮,૦૮૮ ચોરસ મીટર ઉપલબ્ધ છે, જે પૈકી સ્ટેશન એસ્ટેટ વિકાસ માટે સુરત એમએમટીએચ રેલવે સ્ટેશનનો બિલ્ટ અપ એરિયા (બીયુએ) આશરે ૪,૬૫,૦૦૦ ચોરસ મીટર અને ઉધના રેલવે સ્ટેશનનો બિલ્ટ અપ એરિયા માટે ૩૭,૧૭૫ ચોરસ મીટર છે. બેઠકમાં અદાણી ગ્રુપ, કલ્પતરૂ ગ્રુપ, ક્યુબ કન્સ્ટ્રક્શન્સ, જેકેબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જીએમઆર, એમબીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મોન્ટે કાર્લો, જી.આર. ઈન્ફ્રા, ટીએચઓટીએચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીએસપી પ્રોજેક્ટ્સ, વર્ચ્યુસ રિટેલ સાઉથ એશિયા પ્રા. લિ., સિક્કા એસોસિએટ્સ, ઈજીઆઈએસ ઇન્ડિયા અને એડ્રોઇટ ફાઇનાન્સિયલ જેવા નામાંકિત ડેવલપર્સ-કન્સલ્ટન્ટસએ ભાગ લીધો હતો.