સુરતમાં હૃદયદાનની ૪૦મી ઘટના: પ્રજાસત્તાક દિને શ્રમિક પરિવારની દિલેરી
jainshilp samachar
સુરત: સુરતના સાયણમાં વણાટખાતામાં કામ કરતા ઓરિસ્સાવાસી શ્રમિક બ્રેઈનડેડ થતાં તેના પરિવારે સ્વજનના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપી સમાજને નવી દિશા ચીંધી છે.
ઓરિસ્સાના ગંજામ જિલ્લાના અલાડી ગામના વતની અને સુરતના સાયણ સ્થિત સાંઈ સિલ્ક નામના વણાટ ખાતામાં કામ કરતા ૩૩ વર્ષીય સુશીલભાઈ રામચંદ્ર સાહુ ગત તા.૨૬ જાન્યુ.એ બ્લડપ્રેશર વધી જવાને કારણે બેભાન થઈ ગયાં હતાં. જેથી તાત્કાલિક સાયણ જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની બેન્કર હાર્ટ ઈન્સ્ટીટયુટમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. તા.૨૭ જાન્યુ.ના રોજ તબીબી ટીમે સુશીલને બ્રેનડેડ જાહેર કર્યા હતા. તબીબોએ ડોનેટ લાઈફ સંસ્થાને જાણ કરતાં સંસ્થાની ટીમે સુશીલના ભાઈ સુનિલ અને અનિલ, સાળા અને બનેવીને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી..સુશીલના ભાઈઓએ જણાવ્યું કે, આ અગાઉ ઓરિસ્સાના એક વ્યક્તિનું સુરતથી અંગદાન થવાના સમાચાર અમે ટીવી ઉપર જોયા હતા, એટલે અંગદાન વિષે વાકેફ છીએ. શરીર તો આખરે બળીને રાખ જ થઈ જવાનું છે. અમે અન્ય કોઈ ચીજ-વસ્તુનું દાન કરી શકીએ તેમ નથી. પણ કોઈનું જીવન બચતું હોય તો અમે આનાથી ઉત્તમ દાન બીજું શું હોઈ જ શકે?
પરિવારજનોની સંમતિ મળતા ડોનેટ લાઈફ દ્વારા સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગ.નો સંપર્ક કરી અંગદન માટે જણાવ્યું હતું. જેથી (એસઓટીટીઓ) દ્વારા કિડની અને લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, (એસઓટીટીઓ) દ્વારા હૃદય ચેન્નાઈની એમજીએમ હોસ્પિટલને, ફેફસા મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. ચક્ષુઓનું દાન સુરતની લોકદ્રષ્ટિ ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું.
અંગદાતા સુશીલના માતા-પિતા ઓરિસ્સા રહે છે. તેઓ વ્હાલસોયા દીકરાના અંતિમ દર્શન કરી શકે તે માટે તેના પરિવારજનોએ તેના પાર્થિવ શરીરને તેના વતન ઓરિસ્સા લઈ જઈને અંતિમ સંસ્કાર કરવાની ઈચ્છા વ્યક્ત કરતા સુરત મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીએ સુશીલના પાર્થિવ શરીરને એર કાર્ગો તેમજ સુરતમાં રહેતાં પરિવારજનોને વિમાન મારફત ઓરિસ્સા મોકલવાની વ્યવસ્થા કરી હતી.
સ્વ.સુશીલની બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના ૫૨ અને ૫૩ વર્ષીય વ્યક્તિઓમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરના ૪૪ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસમાં, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નઈના ૪૭ વર્ષીય વ્યક્તિમાં ચેન્નાઈની એમજીએમ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. મુંબઈમાં ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ જે દર્દીમાં થવાનું હતું તેનો કોવિડ આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટીવ આવતા ફેફસાનું દાન થઈ શક્યું ન હતું. અંગો સમયસર ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરિડોર બનાવાયા હતા, જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
અંગદાનના ક્ષેત્રમાં સુરતે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઉભી કરી છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૧૮ કિડની, ૧૭૮ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૦ હૃદય, ૨૬ ફેફસાં, ૪ હાથ અને ૩૨૨ ચક્ષુઓ સહિત કુલ ૯૯૬ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૯૦૯ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટિ આપવામાં સફળતા મળી છે.