હોડી બંગલાની એક રેસ્ટોરન્ટમાં ગૌમાંસની વાનગી પીરસાતી હતી, માલિકની ધરપકડ 

jainshilp samachar

હોડી બંગલાની એક રેસ્ટોરન્ટમાં ગૌમાંસની વાનગી પીરસાતી હતી, માલિકની ધરપકડ 

સુરત ઃ સુરતના હોડી બંગલા વિસ્તારની એક રેસ્ટોરન્ટમાં ગૌમાંસની વાનગી પીરસાતી હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે લાલગેટ પોલીસે રેડ કરી ગૌમાંસ ઝડપી પાડ્યું હતું. પોલીસે ગુનો નોંધી રેસ્ટોરન્ટના માલિકની ધરપકડ કરી માંસ મોકલનારને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.
લાલગેટ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લાલગેટ પોલીસને બાતમી મળી હતી કે હોડી બંગલા ત્રણ રસ્તા પાસે દિલ્લી દસ્તરખ્વાન નામની રેસ્ટોરન્ટમાં ગૌમાંસ પીરસવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે પોલીસે ગત 11મીના રવિવારે સાંજે રેસ્ટોરન્ટમાં તપાસ કરતા તેના રસોડામાં ફ્રિજમાં છ થેલીઓમાં રાખેલું 60 કિલોગ્રામ પશુમાંસ મળ્યું હતું. પોલીસે રેસ્ટોરન્ટના માલિક સરફરાજ મોહંમદ વજીર ખાન (ઉ.વ.25, રહે.301, ગુલશન રીફાઇન એપાર્ટમેન્ટ, રીફાઇલ દરગાહની સામે, હોડી બંગલા, સુરત, મુળ રહે. લોહરાસ પૂર્વ, તા. રુદૌલી જિ. ફૈઝાબાદ, યુ.પી.)ને પૂછતાં તેણે માંસ પાડાનું છે તેમ જણાવ્યું હતું. પોલીસે માંસ કોનું છે જાણવા માટે પશુ ચિકિત્સકની હાજરીમાં તેના સેમ્પલ મેળવી પરીક્ષણ માટે એફએસએલમાં મોકલ્યા. એફએસએલના પરિક્ષણમાં 20 કિલોગ્રામ ગાયનું માંસ અને 40 કિલોગ્રામ ભેંસનું માંસ હોવાનું બહાર આવતા પોલીસે રેસ્ટોરન્ટના માલિક સરફરાજ મોહંમદ વજીર ખાન વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી અને ગૌમાંસ મોકલનારા અંસારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.