સામાન્યથી અતિ સામાન્ય લોકોને જનસુવિધા આપવામાં અગ્રસર રહેલા કેજરીવાલે ગુજરાતના રાજકીય નેતાઓની ચિંતા વધારી

jainshilp samachar

સામાન્યથી અતિ સામાન્ય લોકોને જનસુવિધા આપવામાં અગ્રસર રહેલા કેજરીવાલે ગુજરાતના રાજકીય નેતાઓની ચિંતા વધારી

વિધાનસભાની ચૂંટણીમાં અગ્રસર રહેવા માટે રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે અને તેની તૈયારી જોરશોરમાં ચાલી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા છે. રાજકોટના એરપોર્ટ પર આગમન થયું હતું. અહીં આપના નેતાઓએ સુતરની આંટી પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં તેઓ ઇમ્પિરીયલ પેલેસ હોટલ ખાતે રવાના થયા હતા. તેઓ શાસ્ત્રીમેદાનમાં જંગી સભાને સંબોધન કરનાર છે.

આપ નેતા ઇશુદાન ગઢવીએ કાર્યક્રમ અંગે જણાવતા કહ્યું કે એરપોર્ટથી હોટેલ ઇમ્પિરીયલ પેલેસ ખાતે અરવિંદ કેજરીવાલ પહોંચ્યા છે. જેમાં પહેલા હોટલ ઇમ્પિરીયલ ખાતે સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મહત્વની બેઠક યોજશે. તેમજ સાંજે 5:00 વાગ્યે પત્રકાર પરિષદ સંબોધશે. સાંજે 6થી 6:30 વાગ્યે શહેરના શાસ્ત્રીમેદાન ખાતે સભા સંબોધશે. સભા પૂર્ણ થયા બાદ હોટેલ ઇમ્પિરીયલ ખાતે ફરી આવશે. રાત્રિ રોકાણ રાજકોટમાં કર્યા બાદ આજે 12 તારીખે સવારે રાજકોટ એરપોર્ટથી ફરી દિલ્હી જવા રવાના થશે. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાષ્ટ્રીય નેતાઓ પણ રાજકોટ તરફ પ્રયાણ કરી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ દાહોદમાં સભા યોજ્યા બાદ ગત રોજ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા. કેજરીવાલ પહેલી વખત રાજકોટ આવ્યા હોવાથી તેમને આવકારવા માટે કાર્યકરોમાં ભારે આનંદ છે. અરવિંદ કેજરીવાલે અનેક સામાન્યથી અતિ સામાન્ય લોકો માટેની સંપૂર્ણ સુવિધા આપવાને લઈને દિલ્હીમાં દિલ્હીવાસીઓનું દિલ જીતી લીધું છે. ગુજરાતના લોકો પણ કેજરીવાલ તરફ ઝૂકે તેવા ભયને કારણે ગુજરાતના રાજકીય નેતાઓની ચિંતા વધી ગઈ છે.