જમ્મુ અને કાશ્મીરના રાજોરી જિલ્લામાં આતંકીઓએ કરેલા વિસ્ફોટમાં પાંચ સૈનિકો શહીદ

attack in rajori

જમ્મુ અને કાશ્મીરના રાજોરી જિલ્લામાં આતંકીઓએ કરેલા વિસ્ફોટમાં પાંચ સૈનિકો શહીદ

રાજોરી ઃ જમ્મુ અને કાશ્મીરના રાજોરી જિલ્લામાં આતંકીઓ કરેલા વિસ્ફોટમાં પાંચ સૈનિકો શહીદ થઈ ગયા છે, જ્યારે મેજર ઘાયલ થયાં હતાં. રાજોરી જિલ્લાના કાંડી વિસ્તારમાં આર્મીની કાર્યવાહી દરમિયાન આતંકીઓએ આ વિસ્ફોટ કર્યો હતો. જોકે આર્મીનું અભિયાન ચાલુ રહ્યું હતું અને આતંકીઓને ઘેરી લીધા હતા. સવારે રાજૌરી સેક્ટરમાં ઓપરેશન દરમિયાન સ્પેશિયલ ફોર્સ સાથે જોડાયેલા બે આર્મી જવાનો શહીદ થયાં હતાં અને મેજર સહિત ચાર ઘાયલ થયાં હતાં. તેમાંથી ત્રણ જવાનોના ઉધમપુરની હોસ્પિટલમાં મોત થયાં હતાં. આર્મીની કાર્યવાહીમાં ત્રાસવાદીઓને પણ મોટી જાનહાની થઈ હોવાનું મનાય છે. મોડી રાત સુધી આર્મીનું અભિયાન ચાલુ હતું.
ગયા મહિને પૂંચ જિલ્લામાં આર્મી ટ્રક પરના હુમલામાં સંડોવાયેલા ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમીને આધારે આર્મીએ આ ઓપરેશન ચાલુ કર્યું હતું. શુક્રવારના હુમલામાં શહીદ થયેલા સૈનિકોમાં ઉત્તરાખંડના ગેરસાઈનના લાન્સ નાઈક રૂચીન સિંહ રાવત, પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના પેરાટ્રૂપર સિદ્ધાંત છેત્રી, હિમાચલપ્રદેશના કાંગડા જિલ્લાના નાયક અરવિંદ કુમાર, જમ્મુના હવાલદાર નીલમ સિંહ અને હિમાચલપ્રદેશના સિરમૌરના પેરાટ્રૂપર પ્રમોદ નેગીનો સમાવેશ થાય છે.
આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટએ સ્વીકારી હતી. શુક્રવારના હુમલા પહેલા પૂંચ અને રાજોરી જિલ્લાની સીમા પર ઓક્ટોબર 2021થી સાત મોટી આતંકી ઘટનાઓ બની છે, જેમાં 22 સૈનિકો સહિત 29 લોકોના મોત થયા છે. આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલુ હોવાથી રાજૌરી વિસ્તારમાં મોબાઈલ ઈન્ટરનેટ સુવિધા સ્થગિત કરી દેવામાં આવી છે.
આર્મીના નોર્ધન કમાન્ડે સવારે જારી કરેલા એક નિવેદન અનુસાર તેના જવાનોએ જમ્મુ ક્ષેત્રના ભાટા ધુરીયનના ટોટા ગલી વિસ્તારમાં આર્મી ટ્રક પર ઓચિંતા હુમલામાં સામેલ આતંકવાદીઓના જૂથને ખતમ કરવા માટે ગુપ્ત માહિતી-આધારિત કાર્યવાહી ચાલુ કરી છે. રાજૌરી સેક્ટરના કાંડી જંગલમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતીને આધારે 3 મેએ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. શુક્રવારે સવારે 7.30 વાગ્યાની આસપાસ એક સર્ચ ટીમે ગુફામાં છુપાયેલા આતંકવાદીઓના જૂથ સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો.
આર્મીએ ડ્રોન અને સ્નિફર ડોગ્સ તૈનાત કર્યા હતાં અને સૈનિકોએ મોર્ટાર અને ગ્રેનેડના ભારે ગોળીબાર સાથે ગુફાના ગુપ્ત સ્થાન પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ જવાબી કાર્યવાહીમાં વિસ્ફોટ કર્યો હતો. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ મુકેશ સિંઘ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સુરક્ષા દળો રાજૌરી અને પૂંચ જિલ્લાના સરહદી જિલ્લાઓમાં છેલ્લા 15 દિવસથી મોટા પાયે કોમ્બિંગ ઓપરેશનમાં વ્યસ્ત છે. 20 એપ્રિલે ભટ્ટા ધુરિયનમાં આર્મીના વાહન પર થયેલા હુમલા બાદ ઓપરેશન શરૂ થયું હતું. કોમ્બિંગ દરમિયાન 250થી વધુ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી.
સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના પુલવામા અને શોપિયાં જિલ્લામાં ત્રણ આતંકવાદીના  સહયોગીઓની ધરપકડ કરી હતી અને તેમના કબજામાંથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન, સુરક્ષા દળોએ નાગીશેરનના મોહમ્મદ અસગર ડાર નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેની પાસેથી પિસ્તોલ, મેગેઝિન સહિતના શસ્ત્રો અને દારૂગોળો ઝડપાયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ડાર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સહયોગી તરીકે કામ કરતો હતો. ગુરુવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરાઈ હતી.