વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ૧૭ સપ્ટે.થી બીજી ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન
jainshilp samachar
સુરત ઃ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ભારતીય જનતા પાર્ટી-સુરત મહાનગર દ્વારા અનેક વિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષકુમાર સિંહ અને ભારતીય જનતા પાર્ટી-સુરત મહાનગરના અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરાએ આ કાર્યક્રમોની જાણકારી આપી હતી. તારીખ ૧૭ સપ્ટેમ્બરના રોજ સુરત શહેરના તમામ ૩૦ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી-યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ ૨૧ સપ્ટેમ્બરના રોજ મહિલા મોરચા અને ડોક્ટર સેલ દ્વારા સમગ્ર શહેરમાં દરેક વોર્ડ દીઠ ૨૦૦ મહિલા એટલે કે ૬૦૦૦ મહિલાઓનું હિમોગ્લોબીન ચેક અપનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. તારીખ ૨૫ સપ્ટેમ્બર, આદરણીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય જયંતિ નિમિતે તમામ વોર્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યુવા મોરચા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે.
તારીખ ૦૨ ઓક્ટોબર, ગાંધી જયંતિ નિમિતે સુરત શહેરમાં સાફ સફાઈ અને હોસ્પિટલમાં સેવાનો કાર્યક્રમ યુવા મોરચા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. તદુપરાંત સફાઈ કાર્યક્રમ, સેવા વસ્તીમાં અન્ન વિતરણ જેવા કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે.