બેન્ગ્લુરુમાં ગેસલિકેજથી આગ, વૃદ્ધ સ્ત્રી સળગી, સ્ત્રી સહિત 2નાં મોત
બેન્ગ્લુરુ - ગેસલિકેજની ઘટના બેન્ગ્લુરુમાં બની હતી જેમાં એક વૃદ્ધ સ્ત્રીનું સળગી જવાથી મોત થયું હતું. એપાર્ટમેન્ટમાં ગેસ પાઈપલાઈનમાં લીકેજ થયા બાદ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વૃદ્ધ મહિલા સહિત 2 લોકોના મોત થયા હતા.
ઈમારતના એક ભાગમાં ઉપરના બે માળમાં આગ લાગી હતી. એક વૃદ્ધ મહિલા તેના ફ્લેટની બાલકનીમાં આગની જ્વાળામાં ઘેરાઈ ગઈ છે. તે બચવા માટે હવાતિયાં મારતી હતી અને લોકોને વિનંતી કરતી રહી ને આખરે આગની લપેટમાં આવી જતાં તેનું મોત થયું છે. લોકો તેને બહારથી જોઈ રહ્યા હતા પણ, આગની જ્વાળા એટલી ભયાનક હતી કે કોઈ ફ્લેટની અંદર જવાની હિંમત કરી શક્યું નહીં. બાલકની પણ લોખંડની ગ્રીલથી પેક હતી. આ કારણથી મહિલાને બહાર નિકળવું મુશ્કેલ બની ગયું. એપાર્ટમેન્ટનું નામ આશ્રિથ એસ્પાયર છે. આ એપાર્ટમેન્ટ આઈઆઈએમ બેંગ્લુરુ પાસે બન્નેરઘટ્ટા રોડ પર છે. મહિલાનું મોત થયું તે સમયે અનેક લોકો બહાર ઉપસ્થિત હતા. ફાયરબ્રિગેડ આગ ઓલવવા પહોંચ્યું હતું. ફાયર ડિપાર્ટમેન્ટ કન્ટ્રોલ ઓફિસના જણાવ્યા પ્રમાણે સાંજે 4.41 વાગે આગની ઘટના અંગે જાણકારી મળી હતી. માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળે પાણીના એક ટેન્કરને મોકલવામાં આવ્યું હતું. થોડી વાર બાદ માહિતી મળી હતી કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારબાદ પાણીના વધુ 2 ટેન્કર મોકલવામાં આવ્યા.એપાર્ટમેન્ટના અન્ય ફ્લેટથી પણ લોકો દોડીને બહાર નિકળી ગયા હતા. ફક્ત મહિલા તથા બે-ચાર લોકો જ આગમાં ઘેરાઈ ગયા હતા. સૂત્રો અનુસાર આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી હતી કે લોકોએ બચવું મુશ્કેલ હતું. જોકે ફાયરબ્રિગેડના કર્મચારીઓ અનુસાર મહિલાનું મોત ઈજાને લીધે થયું છે.