ભાનુબેનની અબરામા ખાતે આવેલી જમીન પર ગેરકાયદે કબજો કરતા આપ્યું આવેદનપત્ર
jainshilp samachar
સુરત ઃ સુરત શહેરના કામરેજ વિસ્તારમાં આવેલા અબરામા ખાતેના ખાડી ફળિયુમાં રહેતા ભાનુબેનની જમીન પર ગેરકાયદે લાલુ ભરવાડે પચાવી પાડી તેના પર બે માળનું વગર પરમિશને બાંધકામ કરવામાં આવતા આ સંદર્ભે ભાનુબેને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યક્ત કર્યો છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે કામરેજ ખાતેના અબરામાના ખાડી ફળિયુ ખાતે ભાનુબેન મગનભાઈ આહિર રહે છે. તેણે આવેદનપત્ર આપતા જણાવ્યું છે કે અમારા આહિર ફળિયાની બાજુમાં હળપતિવાસમાં રહેતા ભીખાભાઈ જગુભાઈ રાઠોડની જગ્યા 73/એએ ની જગ્યા હોવા છતાંય લાલુ ભરવાડ નામના વ્યક્તિએ આ જગ્યા પચાવી પાડી તેના ઉપર ગેરકાયદે બે માળ વગર પરમિશને બનાવી દીધા છે. આ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવે. આ બાંધકામ બન્યું છે ત્યારથી ઢોર માટેનો ખાવાનો ચારો બગડી જાય છે અને લગભગ દોઢ લાખ જેટલું નુકસાન થયું છે. આ બાંધકામ કરવા સાથે અબરામા ગ્રામ પંચાયતના સરપંચની સીધી મિલીભગત છે કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવે. બનાવવામાં આવેલા મકાનમાં મટિરિયલ હલ્કી કક્ષાનું વપરાયું હોવાથી જો તે ધરાશાયી થાય તો અમારા જાનમાલને નુકસાન થઈ શકે જે બાબતે તપાસ કરવામાં આવે. આ મકાનમાં કોઈ પણ જાતની અસામાજિક પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેની જવાબદારી પ્રશાસનની રહેશે. અમોએ આપની કચેરી સહિત સ્થાનિક અધિકારીઓને અનેક વખત લેખિત રજૂઆતો કરી છે છતાંય કામરેજ પોલીસ સ્ટેશનમાં બોલાવીને માત્રને માત્ર નિવેદન લખાવવાનું કહીને માનસિક ત્રાસ આપવામાં આવે છે. જ્યારે સામેવાળાને એકેય વખત બોલાવવામાં આવ્યા નથી. આ બાબતે યોગ્ય તપાસ કરી ઘટતું કરવામાં આવે તેવી માંગ કરી છે.