ચેમ્બર ઓફ કોમર્સનો યોજાયો સેમિનાર

SEMINAR-CHAMBERS OF COMMERCE

ચેમ્બર ઓફ કોમર્સનો યોજાયો સેમિનાર

એચઆરએ સંસ્થામાં ડિસીપ્લીન લાવી કર્મચારીઓની કેર કરે છે, આથી સંસ્થામાં એવું વર્ક કલ્ચર ઉભું કરવું જોઇએ કે જેનાથી કર્મચારીઓ સંસ્થાને પોતીકી ગણી કામ કરી શકે

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એચઆર ઇન્ટિએટીવ ફોર બિલ્ડિંગ એ બેટર વિષે યોજાયેલા સેમિનારમાં ડો. નિર્મલ ચોરારિયા, ધીરજલાલ કોટડીયા અને ડો. પરાગ સંઘાણીએ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું

જૈનશિલ્પ સમાચાર, સુરત
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ૧૧ નવેમ્બર, ર૦રરના રોજ સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે એચઆર ઇન્ટિએટીવ ફોર બિલ્ડિંગ એ બેટર વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે નિર્મલ હોસ્પિટલ પ્રા. લિ.ના ચેરમેન અને બાળરોગ નિષ્ણાત ડો. નિર્મલ ચોરારિયા, સહજાનંદ ગૃપ ઓફ કંપનીઝના સહ–સ્થાપક ધીરજલાલ કોટડીયા અને પી.પી. સવાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. પરાગ સંઘાણીએ ઉદ્યોગકારોને સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ સંસ્થાને પોતીકી ગણી કામ કરી શકે તેવું વર્ક કલ્ચર ઉભું કરવા મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સેમિનારમાં સર્વેને આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે ખૂબ જ હૃદયસ્પર્શી વાત ઉદ્યોગકારો સમક્ષ કરી હતી. તેમણે કહયું હતું કે, કોઇપણ સંસ્થા અથવા કંપની એ કર્મચારીને નહીં પણ તેની સેવાને હાયર કરે છે. આથી સંસ્થામાં કર્મચારીનું સન્માન જળવાવવું જોઇએ.
ડો. નિર્મલ ચોરારિયાએ જણાવ્યું હતું કે, રૂપિયા ખર્ચીને આધુનિક મશીનરી લાવી શકાય છે પણ દિલ અને દિમાગ એ માત્ર કર્મચારીઓ પાસે હોય છે. કર્મચારીઓ સંસ્થા માટે દિલ અને દિમાગથી વિચારે છે. કર્મચારીઓને ગ્રો થવા માટે તકો આપવી જોઇએ. સંસ્થામાં ૧૦ ટકા કર્મચારીઓ ઉપરની હરોળમાં અગત્યનું કામ કરે છે. જ્યારે અન્ય બે હરોળમાં અન્ય કર્મચારીઓ પોતાની સ્કીલ્સ મુજબ કાર્ય કરે છે. પરંતુ સંસ્થાને આ બધા જ કર્મચારીઓનું વિચારીને ચાલવું જોઇએ. તેઓ એવું માને છે કે સંસ્થાના ચેરમેને પણ ડિસીપ્લીનમાં રહેવું જોઇએ. કર્મચારીઓના જીવનમાં પણ વિવિધ સમસ્યાઓ આવતી હોય છે, જેના કારણે તેમનાથી થતી ભૂલોને સંસ્થાએ સમજવી જોઇએ. તેમણે પોતાની સંસ્થામાં ત્રણ નિયમ બનાવ્યા છે. જેમાં દારૂ પર પ્રતિબંધ, સેકસ્યુલ હેરેસમેન્ટ અને જાણી જોઇને સંસ્થાને આર્થિક નુકસાન નહીં પહોંચાડવાનો સમાવેશ થાય છે.
સંસ્થાની સફળતા માટે હયુમન રિસોર્સ જરૂરી છે. હેલ્થકેર, એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ અને બિઝનેસ કલ્ચરમાં એચઆર મહત્વની ભૂમિકા ભજવે છે. એચઆર એ સંસ્થામાં ડિસીપ્લીન લાવે છે અને કર્મચારીઓની કેર પણ કરે છે, આથી સંસ્થામાં એવું વર્ક કલ્ચર ઉભું કરવું જોઇએ કે જેનાથી કર્મચારીઓને એવું લાગવું જોઇએ કે સંસ્થા તેમની પોતાની છે. સંસ્થાનું નામ સ્ટાફ કર્મચારીઓ, સોફટ સ્કીલ્સ અને તેઓના સારા વર્તનને કારણે જ થાય છે. એના માટે તેમણે બેંગ્લોરની એનજીઓ સીતારામ જિન્દાલ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટનો દાખલો આપ્યો હતો. સુરતમાં પ્લેગની પરિસ્થિતિમાં તેમની હોસ્પિટલમાં કર્મચારીઓને જે રીતે હેન્ડલ કર્યા હતા તે અનુભવો પણ તેમણે વાગોળ્યા હતા. તેઓ તેમની સંસ્થાની સફળતા માટે દર્દીઓ, કર્મચારીઓ, વેન્ડરો એમ ચાર લોકોને મહત્વ આપે છે.
ધીરજલાલ કોટડીયાએ જણાવ્યું હતું કે, સંસ્થા એ મંદિર છે અને ત્યાં કર્મચારીઓ ભગવાનની પૂજા કરવા આવે છે એવી લાગણી તેમના હૃદયમાં લાવવી પડશે. મુંગા પ્રાણીને પણ આદરની જરૂર છે ત્યારે કર્મચારીઓને સન્માન અને એપ્રીસીએશન મળવું જ જોઇએ. સામેવાળી વ્યકિતને આવકારીએ તો એની પાસેથી ધાર્યું કામ કરાવી શકીએ. તેમણે કહયું કે મનુષ્ય પાસે વિવેકબુદ્ધિ હોય છે. કર્મચારીઓ કંપનીના ભાગીદાર છે તેવું વાતાવરણ ઉભું કરવું પડશે. તેમણે ખાઉ, ખાડો અને ખાટલોની વાત કરી સમજણ આપી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નોલેજ બેઇઝ ઇન્ડસ્ટ્રીમાં એચઆરનું મહત્વ વધ્યું છે. યંત્ર યુગ છે પણ કર્મચારીની બૌદ્ધિકતાની કદર કરવી પડશે. નવી વાતને સ્વીકારવામાં આવે તો સંસ્થા, સમાજ અને દેશ માટે સારું રહેશે. ભારતમાં સર્વશ્રેષ્ઠ પ્રોડકટ બને છે અને સુરતના ઉદ્યોગકારો માટે એ શકય પણ છે. સંસ્થામાં કર્મચારીઓને પૂરતી મોકળાશ અને જરૂરી તક આપવી જોઇએ. તેમના પર વિશ્વાસ રાખવો જોઇએ અને જાહેરમાં કયારેય તેઓને ઉતારી પાડવા જેવી પ્રવૃત્તિ નહીં કરવી જોઇએ.
ડો. પરાગ સંઘાણીએ જણાવ્યું હતું કે, એચઆર એ હયુમન રિસોર્સ નહીં પણ હયુમન કેપીટલ છે. સંસ્થા આવું સમજશે તો સફળ થઇ જશે. સંસ્થાઓમાં કર્મચારીઓનું ધ્યાન રાખવા માટે એચઆર જરૂરી છે. સંસ્થામાં એવું વર્ક કલ્ચર ઉભું કરવું જોઇએ કે જેથી કર્મચારી કામ કરી શકે. મનુષ્યને મનુષ્ય સમજી વર્તન કરવું પડશે. કર્મચારીઓને મોકળાશ આપી તેઓને કામ કરવાની મજા આવે એવું વાતાવરણ ઉભું કરવું પડશે અને આવું કલ્ચર ઉભું કરવા માટે એચઆર એ મહેનત કરવી પડશે. તેમણે કહયું હતું કે, ઘણી સંસ્થાઓમાં દેખાડો અને વર્તનમાં ફરક હોય છે. આથી એચઆરની ભૂમિકા લીડર અને કર્મચારીઓ વચ્ચે સંકલન સાધીને યોગ્ય વર્ક કલ્ચર ઉભું કરવાની હોય છે. એચઆર લીડરશિપને નર્ચર કરે છે.
ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર અને માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ સેમિનારમાં પ્રાસંગિક વિધી કરી હતી. ચેમ્બરના ગૃપ ચેરમેન મૃણાલ શુકલએ મોડરેટર તરીકે ભૂમિકા ભજવી હતી અને પેનલ ડિસ્કશન તથા સવાલ–જવાબ સેશનનું સંચાલન કર્યું હતું. ચેમ્બરની એચઆર એન્ડ ટ્રેનીંગ કમિટીના સભ્ય અશ્વિન સુદાનીએ સેમિનારનું સંચાલન કર્યું હતું. કમિટીના કો–ચેરમેન આનંદ મહેતા તથા સભ્યો હેમંત પટેલ અને કમલેશ દવેએ વકતાઓનો પરિચય આપ્યો હતો. ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.