ગૌમાતાઓનું રહેઠાણ એટલે ગુલાબગીરી બાપુનો આશ્રમ

જૈનશિલ્પ સમાચાર
સુરત
તાપી પાળા ઉપર એક આશ્રમ આવેલો છે, આ આશ્રમમાં નિસદિન ગૌ-માતાઓની સેવા થાય છે. આ આશ્રમના મહંત સદગુરુ ગુલાબગીરી બાપુનું જીવન વરસોથી સાદાઈથી વિતી રહ્યું છે. કહેવાય છે કે જ્યાં સાદાઈ હોય ત્યાં લોકોનું ધ્યાન ઘણું જ ઓછું જતું હોય છે અને જ્યાં દેખાવ કરવાનું વધારે વધારે હોય તેની નોંધ વધુને વધુ લેવાતી હોય છે. જૈનશિલ્પ સમાચાર અખબારના પ્રતિનિધિ દ્વારા આ આશ્રમની મુલાકાત લેવામાં આવતા અહીં દરેક જગ્યાઓ પર ગાય માતાને સંપૂર્ણ સુવિધા મળે તે માટે ઉપર પંખા ચાલતા હતા અને ગૌ માતાઓ આરામથી ઘાસચારો વાગોળતી જોવા મળતી હતી. આ ગૌ-માતાના આશીર્વાદથી વરસોથી ગુલાબગીરીબાપુ સદગુરુ સેવા આપી રહ્યા છે. આ આશ્રમમાં આવનારા સમયમાં નવચંડી પાઠનું આયોજન કરવામાં આવનાર છે. ગુલાબગીરીબાપુ નિસદિન ગૌ-માતાની સેવામાં રચ્યા પચ્યા રહેતા હોય છે. ગુલાબગીરી બાપુને તમો જુઓ તો તેઓ માત્ર એક જ વસ્ત્ર પર હંમેશા દેખા દેતા હોય છે તેમને કોઈ જ પ્રકારનું અભિમાન કે દેખાવ કરવાની ટેવ નથી તેઓ હંમેશા પોતાનામાં મસ્ત રહેતા હોય છે. તેઓ કહેતા હોય છે કે આ દુનિયાદારીના લપ્પનછપ્પનમાં પડ્યા વગર હું મસ્ત મારામાં લીન રહું છું, મને કેવળ પરમાત્મા સિવાય બીજું કાંઈ નજર જ આવતું નથી તો કોને ફરિયાદ કરવા જવું. આવું નિર્મળ જીવન વ્યતિત કરનારા ગુલાબગીરીબાપુની જીવનવૃત્તાંત અહીં પ્રસ્તુત કરાયું છે જે વાચકોને ગમશે.