ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ગ્રીન એનર્જી કોન્કલેવ ૨૦૨૪’ યોજાઈ
green conklave 2024

વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશની બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઊર્જા ક્ષમતાને ૫૦૦ ગીગાવોટ સુધી વધારવાનો લક્ષ્યાંક – ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલા
વેસ્ટમાંથી બાયો-સીએનજીનું ઉત્પાદન કરીને આગામી સમયમાં દેશની ગેસની ૩૦ થી ૪૦ ટકાની માંગ પૂર્ણ કરી શકાશેઃ નીતિ આયોગના પૂર્વ સભ્ય ડો. અભિનવ ત્રિવેદી
માઈનિંગ ઈન્ડસ્ટ્રી, સ્ટ્રીલ ઈન્ડસ્ટ્રી, રેલ્વે ઈન્ડસ્ટ્રી અને ડિફેન્સ સેક્ટરમાં બાયો-ડીઝલની માંગ વધુઃ પેટ્રો ગ્લોબલ બાયો-ફ્યુઅલના પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ શ્રી વિવેક અગ્રવાલ
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સાંજે ૦૪:૩૦ કલાકે, સેમિનાર હોલ-એ, સરસાણા, સુરત ખાતે ‘ગ્રીન એનર્જી કોન્કલેવ ૨૦૨૪’ યોજાઈ હતી, જેમાં નીતિ આયોગના પૂર્વ સભ્ય ડો. અભિનવ ત્રિવેદી અને પેટ્રો ગ્લોબલ બાયો-ફ્યુઅલના પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ શ્રી વિવેક અગ્રવાલે ગ્રીન એનર્જી ક્ષેત્ર અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ‘વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશની બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઊર્જા ક્ષમતાને ૫૦૦ ગીગાવોટ સુધી વધારવાનો લક્ષ્યાંક છે. ઉપરાંત, દેશની ૫૦ ટકા ઉર્જાની જરૂરિયાતો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીને પૂર્ણ કરવાની છે. દેશનું લક્ષ્ય અંદાજિત ૦૧ અબજ ટન કાર્બન ઉત્સર્જનને ઘટાડવાનું છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થામાં કાર્બનની તીવ્રતા ૪૫ ટકા સુધી ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ રીતે ભારત વર્ષ ૨૦૭૦ સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનશે અને ચોખ્ખું શૂન્ય ઉત્સર્જન હાંસલ કરશે.’
ડો. અભિનવ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘બાયો-સીએનજી ગાયના છાણ, ઔદ્યોગિક કચરો, ગાર્ડન કચરો, એનિમલ વેસ્ટ, કૃષિ અવશેષો અને બાયોડિગ્રેડેબલ વેસ્ટ જેવા કાચા માલમાંથી બને છે. ભારતમાં ઉર્જાની માંગ સતત વધી રહી છે. ગેસની ડિમાંડને પૂર્ણ કરવામાં બાયો-સીએનજી મહત્વની ભૂમિકા ભજવે છે. તેનું વધુ ઉત્પાદન પર્યાવરણની દૃષ્ટીએ અને સ્થાનિક રોજગારીની દ્રષ્ટીએ પણ મહત્વપૂર્ણ રહેશે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘વેસ્ટમાંથી બાયો-સીએનજીનું ઉત્પાદન કરીને આગામી સમયમાં દેશની ગેસની ૩૦ થી ૪૦ ટકાની માંગ પૂર્ણ કરી શકાશે. પાંચ ટન બાયો-સીએનજીના એક પ્લાન્ટ સ્થાપિત કરવાનો ખર્ચ અંદાજે ૨૦ થી ૨૫ કરોડ રૂપિયા આવે છે.’
શ્રી વિવેક અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘બાયો-ડીઝલ એક પર્યાયી ફ્યુઅલ છે, જેને આપણે ડીઝલની સાથે મિક્સ કરીને ઉપયોગમાં લઈ રહ્યા છે. બાયો-ડીઝલ બનાવવા માટે જરૂરી કાચા માલમાં મુખ્યત્વે વનસ્પતિ તેલ, એનિમલ ફેચ, વેડકૂક તેલ, અખાદ્ય પેદાશો અને પાકોનો સમાવેશ છે. માર્કેટમાં બાયો-ડીઝલ ડિમાંડની સામે ઉત્પાદન ખૂબ જ ઓછું છે. માઈનિંગ ઈન્ડસ્ટ્રી, સ્ટ્રીલ ઈન્ડસ્ટ્રી, રેલ્વે ઈન્ડસ્ટ્રી અને ડિફેન્સ સેક્ટરમાં બાયો-ડીઝલની માંગ હોય છે. સરકારની કાર્બન ક્રેડીટ પોલિસીમાં ઈએસઆર ગવર્નસ મેન્ડેટરી કરવામાં આવ્યું છે. તેના માટે સરકારને ગ્રીન ક્રેડીટસ ઓરિન્ટેડ બેલેન્સ શીટ દર્શાવવાની હોવાથી બાયો-ડીઝલની દિશામાં આગળ વધી રહી છે.’
તેમણે વધુમાં બાયો-ડીઝલ બનાવવાની પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. બાયો-ડીઝલના પ્લાન્ટ શરૂ કરવા માટે ન્યુનતમ ૨૦ થી ૨૨ કર્મચારીઓની જરૂર રહે છે. ૩૦ KLPD નો બાયો-ડીઝલ પ્લાન્ટ નાંખવા માટે આશરે ૧૧.૫ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, પૂર્વ પ્રમુખ શ્રી બી.એસ.અગ્રવાલ, સુરત એન્ડ તાપી ડિસ્ટ્રીક્ટ પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના સભ્ય શ્રી અનિલ દેસાઈ અને સભ્ય શ્રી રઘુવીર સિંહ મહિડા તેમજ વિવિધ પેટ્રોલિયમ એસોસિએશનના ડિલર્સ ઉપસ્થિત રહ્યા હતા. અંતે, ઉપસ્થિતોના તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ વક્તાશ્રીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. ચેમ્બરની પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ કમિટીના ચેરમેન શ્રી નિરજ મોદીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. જ્યારે કમિટીના સભ્ય શ્રી વિરેન પાટડિયાએ વક્તાશ્રીઓનો પરિચય આપ્યો હતો. તેમજ કમિટીના સભ્ય શ્રી ભૂપેન્દ્ર તમાકુવાલાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને ત્યાર બાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.