રાજકોટમાં કેજરીવાલની સભામાં પાટીલ પર પ્રહાર કરતા કહ્યું શિક્ષણ અપાવે તેને ઠગ કહેવાય?
jainshilp samachar

રાજકોટ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ દાહોદમાં સભામાં પોતાનું સંબોધન આપ્યું. દિલ્હીના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે રાજકોટમાં સંબોધન આપ્યું હતું. જેમાં તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે લોકોને પૂછ્યું હતું કે શું હું મહાઠગ છું? કેજરીવાલ રાજકોટમાં પ્રથમ વખત આવ્યા હોવાથી તેમને આવકારવા કાર્યકરો તેમજ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ પોલીસના 400 જેટલા જવાનોને સભાસ્થળે ખડેપગે રાખવામાં આવ્યાં હતા. મળતી માહિતી મુજબ મોરબી સિરામીકના ઉદ્યોગપતિઓ કેજરીવાલને મળવા હોટલ આવ્યા અને તેઓએ કેજરીવાલના હાથે આપનો ખેસ ધારણ કરી બહાર આવ્યા જેથી અનેક અટકળો લગાવાઈ રહી છે. રાજકોટના શાસ્ત્રીમેદાનમાં કેજરીવાલને સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જેને જોઈ કેજરીવાલે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સભા સંબોઘતા તેઓએ કહ્યું હતું કે માત્ર દિલ્હી જ નહીં પરંતુ હવે ગુજરાતના ગામડાઓમાં પણ આમ આદમી પાર્ટીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમણે દિલ્હીમાં કે જયાં તેમની સરકાર કાર્યરત છે ત્યાંની વાત કરતાં જણાવ્યું હતું કે 7 વર્ષમાં દિલ્હીમાં એક પણ ખાનગી સ્કૂલે ફી વધારી નથી. જો કોઈ સ્કૂલ આવી હિંમત કરે તો સરકાર તેને ટેકઓવર કરે છે. અગાઉ કે જયારે ભાજપના સીઆર પાટીલ તેમજ કેજરીવાલ વચ્ચે ટ્વિટર યુદ્ધ થયું હતું તે સમયે પાટીલે જણાવ્યું હતું કે કેજરીવાલ ઠગ છે, આના પ્રત્યુત્તર સ્વરૂપે કેજરીવાલે કહ્યું કે હું તમને કહેવા માગું છું કે, કોઈ ઠગ સરકારી સ્કૂલ સારી કરાવે? કોઈ ઠગ શિક્ષણ અપાવે, કોઈ ઠગ સરકારી હોસ્પિટલ સારી કરાવે. શું તમને હું ઠગ લાગુ છું?
પાટીલ ઉપર વધુ પ્રહાર કરતાં કહ્યું કે ગુજરાતમાં 6 હજાર સરકારી સ્કૂલ બંધ થઈ છે, ગુજરાતમાં સરકારે ગરીબ બાળકો માટે કેટલી સ્કૂલ ચાલુ કરાવી? પાટીલે એક સભામાં મને મહાઠગ ગણાવ્યો હતો. પરંતુ હું શું ઠગ છું? કેજરીવાલે જણાવ્યું કે આ સરકાર વીજળી ફ્રી નહીં આપે. આમ આદમી પાર્ટી લાવો અને વીજળી ફ્રી મેળવો. ન કરે નારાયણ ઘરમાં કોઈને મોટી બિમારી આવી જાય તો ઘર, દાગીના, જમીન વેચવાની ઘણીવાર ફરજ પડતી હોય છે જેના કારણે મોટા ભાગના લોકો તણાવમાં આવી આત્મહત્યા કરવા પ્રેરાય છે. દિલ્હીમાં અમે 2 કરોડ લોકોની સારવાર ફ્રી કરી દીધી છે. દિલ્હીમાં 12 લાખ યુવાનોને રોજગારી આપી છે. ગુજરાતમાં પેપર બહુ ફૂટે છે, હું પાટીલને કહું છું તમારાથી પેપરનું આયોજન સારી રીત થતું નથી તો સરકાર શું ચલાવશો.