નવબુદ્ધ યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભીમરત્ન મહાબુદ્ધ વિહારમાં રમાબાઈ જન્મ જયંતિ ઉજવાઈ

jainshilpsamachar

અમરોલી-કોસાડ આવાસ ખાતે માતુશ્રી સાવિત્રીબાઈ ફૂલે સમાજ સુધારક મહિલા મંડળ, માતા રમાબાઈ આદર્શ મહિલા મંડળ અને દલિત મુક્તિ સેનાના સાંનિધ્યમાં નવબુદ્ધ યુવક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રતનભાઈ નિકુમ દ્વારા સંચાલિત ભીમરત્ન મહાબુદ્ધ વિહારમાં રવિવારના રોજ સાંજે 6 વાગ્યે ડૉ. બાબા સાહેબ આંબેડકરના પત્ની રમાબાઈની જન્મ જયંતિ ઉજવાઈ હતી.
કાર્યક્રમની શરૂઆત સુજાતાબેન સુરેશભાઈ સોનવણે, એડવોકેટ કિર્તનબેન સાળવે અને કલ્પનાબેન પાઠક તથા માતુશ્રી સાવિત્રીબાઈ ફૂલે સમાજ સુધારક મહિલા મંડળના અધ્યક્ષ અનસુયાબેન આર. નિકુમ, ઉપપ્રમુખ ભીખુબેન બૈસાણે તથા સરલાબેન વાઘે ભગવાન બુદ્ધ અને ડૉ. બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને પુષ્પહાર પહેરાવી મિણબત્તી પ્રગટાવી કરી હતી. 
એડવોકેટ કિર્તનબેન સાળવેએ રમાબાઈ જન્મ જયંતિની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બાબા સાહેબે દેશ માટે ઘણું જ યોગદાન આપ્યું છે, મહિલા સશક્તિકરણ પણ બાબા સાહેબની દેન છે. બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરના ધર્મપત્ની રમાબાઈનું યોગદાન પણ ઘણું જ છે. બાબા સાહેબ આપણને કેવી રીતે મળ્યા છે તેના વિશે તમે જાણો છો તેવા સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે શિક્ષણના લીધે આપણને બાબા સાહેબ મળ્યા છે. દીકરા અને દીકરી પ્રત્યે પણ સમાનતા રાખવા અને દીકરીને સંસ્કાર આપવા લોકોને અપીલ કરી હતી. તેમણે અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવા માટે આહવાન કર્યું. બૌદ્ધ ધર્મ વિશે સમજાવતા પંચશીલની જાણકારી આપી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ડૉ. બાબા સાહેબ આંબેડકરના ધર્મપત્નીના જીવનમાં કેટ-કેટલા દુઃખ પડ્યા તે અંગેની જાણકારી પ્રાપ્ત કરી હતી. 
કાર્યક્રમના અંતે નવબુદ્ધ યુવક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રતનભાઈ નિકુમે સુજાતાબેન સુરેશભાઈ સોનવણે, એડવોકેટ કિર્તનબેન સાળવે અને કલ્પનાબેન પાઠક તથા જૈનશિલ્પ સમાચાર અખબારના માલિક, તંત્રી જયંતિ એમ. સોલંકીનો આભાર વ્યક્ત કરી લોકોને ખીર ખવડાવી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.